આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પાંચાળનું ભકતમંડળ
૧૯
 


(૪)

જે પ્રભાતના પહોરમાં જાદરા ભગતના ઘરની પછવાડે રડારોળ થઇ રહી છે. સાંભળનારને પણ આંસુડાં પડે એવા વિલાપ અધરાતથી મંડાઇ ગયા તે હજુ સુધી અટક્યા નથી. માંકબાઇએ ડેલીએ આવીને પતિને કહ્યું:

“ભગત, આ સાંભળો છો !”

“કોણ રૂવે છે ?”

“આપણા ટેલીઆની વહુ.”

“કાં ?""

“એનો પાંચ વરસનો દીકરો ફાટી પડ્યો. ભગત મારાથી એના વિલાપ સાંભળ્યા જાતા નથી. હવે તો મારી છાતી હાથ નથી રહેતી. ઓહોહો ! આપણી ઓથે આવેલાને આવડું બધું દુ:ખ ?”

“શું કરીએ કાઠીઆણી ! લાખ રૂપીઆ દીધેય કાંઇ કાયાનો કુંપો ફુટ્યો ઇ સંધાય છે ? આપણે એના બાળકને શી રીતે બેઠો કરી શકીએ ?”

“પણ મારાથી એની માનું રોવું હવે નથી સંભળાતું. તમે આપા મેપાની પાસે જાશો ?”

“જઇને શું કરૂ ?”

“એના પગુંમાં પડો. એને ઘણાંય ખેાળીયામાં પ્રાણ પાછા મેલ્યા છે.”

હાથમાં માળા લઈને જાદરો કુંભારવાડે ઉપડ્યો. માંકબાઇ પણ પાછળ પાછળ ગયાં. બેય વર-વહુએ મેપાના ચરણ ઝાલીને આંસુએ ભીંજવી નાખ્યા.