આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દાના ભગત
૫૧
 


શાદુળ ભગતે કડતાલ ખખડાવીને સૂર ઉપાડ્યો:

“એ જી મારે રોમે રોમે રામબાણ વાગ્યાં !"

ઢોલક, મંજીરા, એકતારો અને આખી મંડળીનો નાદ: તમામની જમાવટ થઇ. દિશાઓ ખડખડવા લાગી. ખાટલીના પાયા ડગમગી ગયા. આપા દાનાએ સાદ કર્યો “વાહ બાપ શાદુળ ! ધન્ય તાળી ભગતીને !”

તેમ તેમ તો શાદુળ ભગતને નશો ચડ્યો. શરીર પછડાટી દેવા લાગ્યું. હમણાં જાણે ખાટલીનો ભુક્કો થશે.

પણ પલકમાં તે કોણ જાણે શાથી ખાટલીના પાયા ડોલતા બંધ પડ્યા. શાદુળ ભગતે ભીંસ દીધી એટલે પાયા ઉલટા સ્થિર થયા, જાણેલોઢાના થાંભલા ખોડાઇ ગયા.

ભજનની ઝીંક બોલી : આવેશના ઉછાળા વધ્યા. નશો ગગને ચડ્યો. શરીર જાણે તૂટવા લાગ્યું.

પણ ખાટલીના પાયા ચસકતા નથી.

ભજનિક થાક્યા. અધરાત થઇ.

“એ જી મારે રોમે રોમે રામબાણ વાગ્યાં !"

એ ચરણ ઢીલું પડ્યું. શાદુળ ભગત ખાટલી પરથી ઉઠી ગયા. આપા દાનાએ પૂછ્યું “કાં બાપ ! ખાટલી ભાંગીને ?” શાદુળ ભગતે નીચું જોયું.

“અરે ભણેં શાદુળ ! તુ તો ભણતો સો, કે “મારે રોમે રોમે રામબાણ વાગાં ! ” રોમે રોમે રામબાણ વાગાં તોય તું આવડાં કુદકા કેમ કરૂને મારી શકછ બાપ ? મુંહેં તો બાપ ! જરાક એક બૂડી અડુ ગી' છે, ત્યાં તો હુ ટાઢાબેાળ થઉ ગો સાં ! ને તેહિં રોમે રોમે રામબાણ વાગાં તોય આવડે જોર કીશેથી ?”