આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"મલાર માછલી, મગરમચ્છ, કણો અને હળેંડું નામે સરપની જાત, ફોફી અને સીંકું, જરીડેડો, એવાં એવાં ન ખાઈએ. જાફરાબાદને દરિયે અટાણે માછીમારોનું એક મોટું પરું વસી ગયું છે. મછવા ભરી ભરીને માછલાં ત્યાં લાવે છે. પછી તમામ જીવના નોખા ઢગલા પાડીને સૂકવણી કરે છે. એના કોથળા ભરી ભરીને એ મુસલમાન શેઠિયા દેશાવર મોકલશે. ન ખવાય તે નોખાં રે'શે. અમારા ઘણા જણ ત્યાં ગયેલ છે."

"એને શું રોજી મળે છે?"

"રોકડ નહિ, પણ માછલાં જ આપે છે વેપારીઓ."

"ન ખવાય તેવા જીવનો બીજો કંઈ ઉપયોગ ખરો?"

"તયેં નઈ? ભારી ખપ લાગે. જુઓ, આ પાણીમાં મોટી માછલી ડૂબકી ખાતી ખાતી જાય છે ને, તે મલાર માછલી. એનું આખું શરીર જ તેલનું બનેલું. અમે તો નહિ, પણ મુસલમાન માછીઓ એ મલારને ડબામાં પેક કરીને રાખી મૂકે. થોડે દા'ડે એનું નરદમ તેલ બની જાય. પછી એમાં કાળો કે લાલ રંગ ઘૂંટીને એનાથી વા'ણને ચોપડ કરે, ભારી પાકો રોગાન ચડે છે વા'ણને એનો."

અંતમાં એ ચાંચવાસી ઘૂઘાભાઈએ એક જ વાક્યમાં સમેટી લીધું : "જોવો ભાઈ, જેટજેટલી ચીજવસ્તુ જમીન માથે છે, એટલી જ રકમ માતર આ રતનાગર સાગરમાંય ભરી છે. અમને દરિયોલાલ સંધુંય આપી રે' છે."

"કહો ત્યારે, તમારી દરિયાઈ દુનિયામાં જળઘોડા હોય છે એ વાત સાચી?"

"કેવા જળઘોડા?"

"એની એક લોકકથા મારી કને આવી છે તે હું કહું : બોલાય છે કે કચ્છના કોઈ ગામમાં એક નાથબાવાને ઘેર બે તાજણ ઘોડીઓ હતી. એક સાલ મે થતો નથી : ખડ ક્યાંય જડે નહિ : જાતવંત ઘોડીઓ ઠાણમાં બાંધી બાંધી ભૂખે મરે. હવે બાવાને ઘેર એક ચારણ છોકરો ઘોડી ચારવા રહે. એણે કહ્યું, 'બાપુ, આ દરિયાને કાંઠે ડાભડી ઊભી છે એ પંદરેક દિવસ ચારવા દિયો, ત્યાં મે થાશે.' બાવાજી એ કહ્યું, 'ભલે ચાર દરિયાકાંઠે, પણ જોજે હો, કોઈ ટારડો પોગી જાય નહિ.' (અર્થાત્ આ ઊંચી જાતની ઘોડીઓને કોઈ હલકા ઘોડાથી ગર્ભ ન રહી જાય,) છોકરો કહે કે, 'હું બરાબર ધ્યાન રાખીશ.' પછી તો છોકરો દરિયાકાંઠે બેઠો બેઠો ઘોડીઓને ચારે. એમાં એક દિવસ એક તાજણે ઠાણ કર્યું. એ ઠાણની ઘાણ્ય દરિયાઈ ઘોડાને ગઈ. દરિયામાંથી ઘોડો નીકળ્યો, ઘોડી આગળ ગયો, બે ઘડી આળાંપતાળાં કરીને માથે પડ્યો, પડીને પાછો ચાલ્યો ગયો દરિયામાં. છોકરો તો જોઈને દંગ થઈ ગયો. પછી તો મે થયો. ઘોડીઓ ઘેર બંધાઈ ગઈ. પાંચ-સાત મહિના થયા ત્યાં તો તાજણે પેટ મૂક્યું. જોતાં જ બાવાજી ને ફાળ પડી : 'એલા ભૂંડુ થ્યું, ઘોડી સભર થઈ.' છોકરો તે દિવસની બિના છૂપાવી રહ્યો હતો. તેણે કહ્યું, 'ના ના બાપુ, એ તો ખડનું પેટ વધ્યું છે.' પણ બાર મહિને ઘોડીએ ઠામ દીધું. વછેરી આવી. પણ શી વછેરીની રૂડપ! કિરતારે હાથ ધોઈ નાખેલ હોય, એવું ચિતરામણ : અને ઘોડીને પાણી પાવા