આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

2
ચેલૈયાની જન્મભોમ

નાકનું ટેરવું ફુલાવીને આ લોકોના વહેમોને તિરસ્કાર દેવા હું ગયો નહોતો. ઉપદેશ કરવાનું કર્તવ્ય પણ મેં નહોતું ધારણ કર્યું.એટલે આવી આવી વાતો તરફ હું એક સ્વપ્નસ્થ, ઘેનઘેરી નજરે કાન માંડી રહ્યો.

એ સ્મરણને તો હું આખા પ્રવાસમાં મારે હૈયે સાચવી રહ્યો હતો. કેમ કે ધીરોદત્ત મર્દાઈને હિસાબે જેનો જગતમાં જોટો નથી એવી આ ખારવા જાતિનું નિરીક્ષણ મને પગલે પગએ તેઓની જુદેરી અધ્યાત્મ-દુનિયાના પ્રદેશો દેખાડી રહ્યું હતું. ને હું તો એક સંશોધક તરીકે તેઓના જીવનમાં પડેલી એ પુરાતન લોકવિદ્યાના પોપડા નિહાળવા નીકળ્યો હતો. પૃથ્વીનાં પડોને ખોદનાર સંશોધકોને તેઓના રોજના અનુભવની વાત છે, કે હજારો વર્ષોની અણીશુધ્ધ દટાયેલી પડેલ કોઈ મિસરી મમીને અથવા તો મોહેં-જો-દારોનાં ખંડિયેરમાંથી નીકળતા જૂના લેખોને જરી ફૂંક લાગતાં જ એનું સ્વરૂપ છેકાઇ જાય છે. લગાર તડકો કે પ્રકાશ પણ એને ધૂળ કરી નાખે છે. એટલે મારા જેવાને તો તેઓનાં આ જીવનતત્ત્વો પર તર્ક વા પાંડિત્યની, નવયુગની સુધારની ફૂંક મારવાનો, અજવાળું નાખવાનો જરીકે લોભ નહોતો. હું ગયેલો ખંડેરો ખોદવા, જેવું છે તેવું લોકવિદ્યાનું તત્ત્વ પકડવા.

"હેં વશરામભાઈ,"'રૂપારેલ'નામના વહાણના વશરામ ટંડેલને હું પ્રશ્ન કરું છું : (રૂપારેલ, રતનાકર, લક્ષ્મીપ્રસાદ, જબરજસ્ત - એવાં એવાં વહાણોનાં નામ હોય છે.) "વશરારામભાઈ, તમે વહાણ લઇને ઘેરથી મુસાફરીએ ઊપડો ત્યારે કેવી રીતે દરિયાનું આરાધન કરો?"

"દરિયામાં નાળિયેર ને ફૂલ ચડાવીએ. દરિયો મીઠો કરીએં. એટલે કે દરિયાનાં પાણીની અંજલિ ભરીને પીએં ને સલામ કરીએં દરિયાલાલને. વહાણની મોરી ઉપર લોબાનનો ધૂપ કરીએં ને કહીએં કે હે સવાઇ દુલા! અમને મીઠો મીઠો સાજો વાવડોએ દેજે! બીજું તો અમે અભણ અજ્ઞાની લોકો શું સમજીએં?"

"તમે કોઈ બ્રાહ્મણને ન બોલાવો?'

"ના, અમે નહિ પણ અમારા વેપારી લોક. જે આ વહાણોના ધણી હોય, તેઓ