આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આવી કશી લોકોદ્ધારની કડાકૂટમાં એ પડવાના જ નહિ. બેટના નિર્જન છેડાની છેલ્લામાં છેલ્લી અણી ઉપર, મોટા દરિયાની છોળો જ્યાં અથડાય છે તે ભેખડે, અખંડ એકાંતમાં બે કબરો છે : એક સવાઈ પીરની ને બીજી એનાં બહેનની. માતબર થાનક છે. શા સારું ન હોય? હિંદુ ને મુસલમાન, માછીમાર ને વાણિયા, વહાણધણી કે ખારવા તમામની માનતાઓ આ દરિયાના અધિષ્ઠાતા મનાતા દેવને અહર્નિશ ચાલી જ આવે છે. દરિયાની સાથે હંમેશાં 'પીર'નો જ ભાવ જોડાયેલો છે. 'દરિયાપીર' તો જૂનું નામ છે. કોણ જાણે કેમ, પણ પીરાણાનું દરિયાનું વાતાવરણ એકબીજાથી જે મેળ પામે છે, તે મેળ બીજાં દેવીદેવતા સાથે દરિયાને મળતો નથી. નહિ તો હિંદુઓએ કંઈ કમ દેવસ્થાનાં ઊભાં કર્યાં છે આ સાગરતીર ઉપર? ઠેર ઠેર મહાદેવ : ગોપનાથ, ઝાંઝનાથ, ચાંચુડા ને સોમૈયા સરીખા : ઠેર ઠેર ઇશ્વરાવતાર, વારાહરૂપ, જગત અને બેટ શંખોદ્વારના એકસામટા કૃષ્ણ-કુટુંબનું જૂથ. પણ એ બધાં કેમ દરિયાઈ વિભૂતિથી મેળ નથી લેતાં?

મને લાગે છે કે પીર એટલે મૃત્યુની પ્રતિષ્ઠા. દરિયો પણ જીવન કરતાં મૃત્યુનો જ ભાસ વધુ કરાવે. એ બન્નેના વાતાવરણમાં કંઈક નિગૂઢ, ગેબી, અનંત પરલોકનું તત્વ પડ્યું છે, અવસાનનું મૌન છે, અફસોસની શાંતિ છે, કરુણાભરી નિર્જનતા છે, લોબાનના ધૂપમાંથી પથરાતી જે ગમગીન ફોરમ દરિયાના અનંત સીમાડા ઉપર ચાલી જાય છે તે ફોરમ ઘી-તેલનાં ધૂપદીપ, અગરચંદનનાં લેપતિલક, સિંદૂર-કુમકુમના સાથિયા, આંગી-રોશનીના ઝાકઝમાળ અને બીજા મંદિરિયા ઠાઠમાઠમાં નથી. દરિયો જાણે મહાકાળ છે. એનાં ઊછળતાં અથવા મૂંગાં પડેલાં પાણી હંમેશાં કોઇ શબ ઉપર ઓઢાડેલ સોડ્યની જ યાદ આપે છે. કંઇક વહાણો અને ખલાસીઓના મૃતદેહ એ કફનની નીચે પોઢેલાં છે. માટે જ મને લાગે છે કે પીર અને સાગર વચ્ચે કોઇક પ્રકારની તદ્રુપતા હશે.

ને આ પીરની કલ્પનામાં ભયનું તત્ત્વ ઓછું છે. પોરબંદરને દરિયે પેલા મિયાંણીપટ્ટણનાં ખંડિયેરની નજીક, ખાડીને સામે પાર કોયલો ડુંગર છે, તેની 'કોયલાવાળી' દેવી હર્ષદી આઇનો ઇતિહાર તો ભયાનક છે. એક વાર એ 'કોયલાવાળી' માતાનું બેસણું એ ડુંગરની ટોચે હતું. પણ સન્મુખ પડેલા મોટા દરિયામાં જે જે વહાણો નીકળતાં ને આ દેવીની કરડી નજરમાં આવતાં તે બધાં પાણીમાં ગરક બની જતાં. પછી બાપડા કચ્છના પરગજુ શેઠ જગડૂશાએ માતાજીને વીનવ્યાં કે, 'ભલાં થઈને કોઇ વાતે તમે ત્યાં શિખરે બેસીને વહાણો ભરખવાનું છોડીને નીચે તળેટીમાં પધારો! આઈ કહે કે, મારે પગલે પગલે અક્કેક પાડાનો ભોગ પૂરો પાડ તો હું નીચે ઊતરું, 'એમ તો એમ!' કહીને જગડૂશાએ પાડા એકઠા કર્યાં, પગલે પગલે અક્કેક નિર્દોષ પાડો વધેરીને આઈને નીચે લીધાં, પણ છેલ્લાં ચાર પગલાં બાકી રહ્યાં ત્યાં પાડા ખૂટી પડ્યા! હવે? આઈ કહે કે આ ને આ ઘડીએ ભોગ લાવ, નહિ તો હું પાછી ચડી જઈશ! જગડૂશાને સુભાગ્યે એની સાથે પોતાનો દીકરો ને દીકરા-વહુ હાજર હતાં. ને ઘણાંખરાં કુટુંબોમાં આજ પણ છે તે મુજબ દીકરો ને દીકરાવહુ તો ઘરનાં પશુ (તે પણ પાછાં બલિદાન ચડાવવાનાં પશુ)