આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મનમાં ચાલી રહ્યા હતા, ત્યાં તો ઘૂઘા પગીએ કહ્યું કે, "ભાઇ, ઝટ ચાલો હવે, મછવો તીયાર છે. ને જાફરાબાદ અરધી જ કલાકમાં પુગાડે તેવો વાવડો છે, માટે ઊઠો!"

"ને... શેઠ!" જુવાનોએ કહ્યું : ('શેઠ' સંબોધન મને હંમેશાં ચોંકાવે છે. કેમ કે એની પછવાડે 'કોઇક ધૂતવાલાયક ધનિક' હોવાની કલ્પના ઊભેલ હોય છે. બાપડા અમૃતલાલભાઈ [૧] ને એનો કપરો અનુભવ છે) "શેઠ, તમે કાં હોળી માથે આવો, ને કાં આવો જેઠ મહિને. જેઠ મહિને અમારો એકોએક જણ આવી જશે, અમારાં તમામ વાણુંને અમે ઘસડીને આંહીં ઊંચે ચડાવી દેશું. ને પછી અમારા વિવા'વાજમ હાલશે, તે ઠેઠ બળેવનો દરિયો પૂજીને પાછા વાણે ચડી જશે અમારા જુવાનો."

  1. અમૃતલાલ શેઠ