આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સિંધુ નદી ઉપર પણ એક આવી જ રાત અંધારી હતી. અને હરરોજ રાતે સિંધુનાં ભમ્મરિયાં જળ ભેદીને કુંભાર-કન્યા સુહિણી પોતાના સમાજબાતલ પિયુ મેહાર (ગોવાળ)ને મળવા સામે પાર જતી હતી. એને પાર લઈ જનારા પાકા ઘડાને પણ એની માતાએ એક રાતે બદલી લઈ કાચો ઘડો ધરી દીધો. ને એ ઘડાએ મધ્યજળમાં ડૂબતી મૂકેલી દીવાની સુહિણી સામા પારથી પિયુના પાવાના સૂર સાંભળતી સાંભળતી -

ઘિરી ઘરો હાથ કરે, બોયાં ઇ બાંહું; વેચારીય વડું કિયું, વિચ ધરિયા ધાઉં; વરજ સાડ ! પાંઉ, તાંકું તકી આંહ્યાં.

[પ્રથમ ઘડો હાથ ધરીને તરી; પછી ઘડો ઓગળી જતાં બાહુઓ (ભુજાઓ) બોળીને તરી; છેવટે ડૂબતાં ડૂબતાં દરિયામાંથી (સિંધુ નદી વચ્ચેથી) એ બિચારીએ ધા ઉપર ધા દીધી કે 'ઓ વહાલા સાડ! ઓ મેહાર! તું પાછો વળી જજે, કેમ કે મને પાણીનાં હિંસક પશુઓએ ઘેરી લીધી છે.]

-એમ પોકારીને સુહિણી જળમાં સમાઈ. મેહારે પણ એની સંગાથે જ દરિયાની આરામગાહ બિછાવી.

એ સુહિણી અને તું મોરણી, બેઉ શું એક જ માર્ગનાં મુસાફિર હતાં? ત્રીજું કોઈ જુગલ તમારે પંથે પળ્યું છે ખરું?

હા, હા; દૂર, દૂર. કોઈક કાળાન્તર પરના ભૂતકાળમાં : અને સ્થળને હિસાબે પણ પારંપાર આઘે, એશિયા અને યુરોપ એ બે ખંડોને ફક્ત અરધો જ માઈલ અળગા રાખીને પડેલી હેલેસ્પોન્ટની સામુદ્રધુનીનાં જીવલેણ વમળોની અંદર.

આંહીં મોરણીનો પ્રેમિક ચાંચુડા મંદિરનો પૂજારી હતો, ને ત્યાં લીએન્ડરની પ્રિયતમા હીરાં દેવીના દેવાલયની પૂજારિણી હતી. યુરોપ ખંડના છેલ્લા ધરતી-બિન્દુ પર ઊભેલ એ જોગેશ્વરીને મંદિરેથી હીરાંની આંખો હેલેસ્પોન્ટને સામે તીર રહેતા જુવાન લીએન્ડરને જ શોધતી હતી. યુરોપ-એશિયાની વચ્ચે પ્યારના ત્રાગડા એ ચાર આંખો નિરંતર કાંત્યા કરતી હતી. સાંકડી સામુદ્રધુનીમાંથી આવ-જા કરતાં અસીમ સાગરતીર અહોરાત એવા તો પછડાટ મચાવતાં કે ન ત્યાં મછવો ચાલી શકતો, ન ત્યાં માનવી તરી શકતું. અર્ધા જ માઈલને અંતરે ઊભેલ બે પ્રેમીઓની વચ્ચે એ સાંકડી નાળ હજાર યોજનનું છેટું પાડીને દાંત કચકચાવતી હતી.

પરંતુ પ્યારના સામર્થ્યે ક્યાં સંકટ ગણકાર્યાં છે જગતમાં! હમેશ રાત્રિએ આ કાંઠેથી લીએન્ડર ઝંપલાવીને પડતો, ને સામે તીરેથી પૂજારિણી મશાલ પેટાવીને દેવાલયના બુરજ ઉપર ઊભી રહેતી. મશાલની ટમટમતી તારલ-જ્યોતને એંધાણે એંધાણે લીએન્ડરની ભૂજાઓ એ વિકરાળ લોઢને ભેદી ભેદી ચાલી જતી. પ્રેમીજનો રોજ ને રોજ રાતે એ રીતે દેવીના થાનકમાં ભેળાં થતાં. પરોઢના અંધકારમાં જ લીએન્ડર પાછો એશિયાને તીરે તરી પહોંચતો.