આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પરંતુ એક રાત્રિએ સામુદ્રધુનીનાં તોફાન એશિયા-યુરોપ વચ્ચેના આ ત્રાગડાને તોડવાનો નિશ્ચય કરીને જ ચગ્યાં હતાં. પોતાના દેહને ઊંચે ઉપાડી ઉપાડીને પછાડી ભુક્કો કરવા ઉન્મત્ત બનેલ તરંગોની સામે લીએન્ડરે પોણી રાત સુધી મુકાબલો કર્યા કર્યો. મોજાંના મારથી છૂંદાતી એની છાતી ગોટો વળી જતી હતી. તરંગોની ચૂડ એની પાંસળીઓને હમણાં જાણે ભીંસી નાખશે એમ એનો શ્વાસ નીકળી પડતો હતો. છતાં લીએન્ડરનો પ્યાર પરાજય કબૂલતો નહોતો. કારણ? કારણ કે સામે પાર મશાલની દીવડી હજુ તબકતી હતી. વમળમાંથી વારંવાર ઊંચું માથું કરીને લીએન્ડર એ જ્યોતને જોઈ લેતો હતો. જ્યોત દેખાયા કરી ત્યાં સુધી એણે હામ હારી નહિ.

પરંતુ હવે થોડુંક જ અંતર રહ્યું છે, બે-ચાર છલંગે કિનારો હાથ કરી લઈશ, ને પછી આ વેરણ સામુદ્રધુની એના લોઢરૂપી દાંત કચકચાવતી જોઈ રહેશે : ત્યાં તો દીવો ઓલવાયો. વાવાઝોડાના ઝપાટા વચ્ચે મશાલને પોતાના પાલવની આડશે માંડ માંડ સાચવી રહેલી પૂજારિણીની ધીરજને પવને ધૂળ મેળવી. એટલે લીએન્ડર કિનારો હાથ કરવાની આશા ગુમાવીને મોજાંને શરણે થઈ ગયો.

પૂજારિણી હીરાં એ બુઝાયેલી મશાલ સાથે ત્યાં ખડક પરના મંદિરે જ થીજી ગઈ. માન્યું કે આ તોફાનની અંદર આજની રાતની યાત્રા કદાચ પિયુએ માંડી વાળી હશે.

પ્રભાતનું પ્રથમ કિરણ ફૂટતાંની વારે જ એણે મંદિરના ઊંચા કોઠા પરથી નીચે નજર નાખી : ખડકની ભેખડ પર એક ગૌર માનવકલેવર પડ્યું હતું : ભેખડે બાઝેલાં શ્વેત સમુદ્રફીણમાં સિંદૂરિયા રંગનું શોણિત નીતરતું હતું.

દુઃખની એક હાય પુકારી, અને દેહ પરથી પૂજાનાં પરિધાન ફાડી નાખી હીરાં પાણીમાં કૂદી પડી. એક પહોર પછી મોજાંએ એના શરીરને પણ લીએન્ડરના શબની પાસે સુવાડી દીધું.

મોરણી-ભભૂતગર, સુહિણી-મેહાર, હીરાં-લીએન્ડર : એક સોરઠની, બીજી પંજાબની, ને ત્રીજી ગ્રીસની - ત્રણે શું જુદી જુદી ઘટનાઓ હશે? કે એક જ ઘટના પરથી ઘડાયેલી લોકકથા વહાણવટીઓની જીભે ચડીને જુદે જુદે ઠેકાણે ઊતરી પડી હશે? ને પછી શું એને સ્થળ સ્થળનાં લોકોએ પોતપોતાની નજીકનાં એવાં જ ભળતાં સ્થળોની સાથે નોખે નોખે નામે બંધબેસતી કરી હશે? સુહિણી-મેહારની એકની એક કથા પંજાબ, સિંધ તેમ જ કચ્છમાં કાં દાવો પામે? બેટ શંખોદ્વારની નજીક પણ દરિયામાં સુણી-મેઆરના બે ખડકો બતાવવામાં આવે છે, તેનો શો મર્મ? આમ પ્રેમકથાના રસને જે વેળા હું પંડિતાઈની આંચ લગાવી રહ્યો હતો, તે વેળા -

“કાં શેઠ, સા બણાવશું?” જાફરાબાદ તરફ સરતા 'પીરના મછવા'માં વિચારગ્રસ્ત બેઠેલ આ વિદ્વાનને સામત ખલાસીએ નોતરું પુકાર્યું.

“ચા? આંહીં મછવામાં?”

“હા શેઠ, દૂધ તો નથી, એટલે 'સુલતાની સા' બણાવીએ.” સામત ખલાસીની કનેથી આજ પહેલી જ વાર 'સુલતાની ચા'નાં નામ- સ્વરૂપ જાણ્યાં.

“કંઈ નહિ, ભાઈ, હું હજુ બેટનાં રીંગણાંના મઠા અને ભાખરી-મૂળા ઉપર ત્રાપટ