આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

8
હે... અલ્લા !

સ્વપ્નું ચાલે છે : બખાઇલાલ અને અરબાણીલાલ વચ્ચે હીંચકો બાંધીને જાણે કોઇક મને ફંગોળી રહેલ છે.

જાગ્યો. મછવો ડોલે છે. પાણીના હડૂડાટ થાય છે. હમણાં જાણે દરિયો ડાબી બાજુથી મછવા પર ચડી બેસશે. હમણાં જાણે જમણી બાજુથી જળ ભરાઇ જશે. કૂવામાં બોખ જેવી દશા એ નાનકડા મછવાની બની રહી હતી.

ધડ : ધડ : ધડ : મછવાને તળિયે જાણે કોઇક હથોડા પછાડી રહ્યું છે. ઘડિયાળના સ્વયંપ્રકાશિત લીલા કાંટા સાડા ત્રણના આંકડા પર હતા. વિધાતાના જ લખ્યા એ જાણે આંકડા હતા.

અંધારૂ ઘોર : તારાઓ સૂનમૂન : તરંગોના પછાડ : તળિયેથી કોઇ કુહાડાના પછડાટો : દૂર દૂર પોતાની કેફચકચૂર આંખને મીંચતો ને ધીરે ધીરે ખોલતો, ચાંચના ખડક પરનો નવો કંદેલિયો.

મારી આંખો સામતને શોધતી હતી. સામતભાઇ, એકલો મૂંગો મૂંગો વાંસડો લઇને તળિયાના પથ્થરો સાથે જોર કરે છે, ઘડીક શઢનાં દોરડાં ફેરવી ફેરવી મછવાને ઉગારવા મથે છે.

"સામતભાઇ, સામતભાઇ!" મેં પોકાર્યું : "આ શું થાય છે? આપણે ક્યાં છીએ?"

સામતભાઇને ખુલાસો કરવાની વેળા નથી. દરિયો હડૂડે છે. વરૂ જેવાં વિકરાળ મોજાં એક તરફથી મછવાને થપાટો દઈ, બીજી બાજુએથી અંદર ચડવા આવે છે.

ઘૂઘો પગી ઉઠ્યો : "એલા સામત, ક્યાં ભેખડાવ્યું?"

ઉગાર સારુ મથી રહેલ સામતે દીન શબ્દે ઉત્તર વાળ્યો : "દાંતીમાં ભરાણો છે મછવો."

બીજો વાંસડો લઇ ઘૂઘો કૂદ્યો. મથતાં મથતાં પૂછે છે : "કેમ કરતાં? ઝોલે ગ્યો'તો તું?"

"અરે, ઝોલે શું જાઉં? પીરેથી મછવો પાછો વળ્યો, પણ સામી વીળ્ય દાંતીની ગાળીમાંથી નીકળવા જ દેતી નથી. બે વાર તો ઠેઠ ભેંસલે જાતો મછવાને નાખી દીધો. હેરિયાં કરી કરીને (શઢ ફેરવી ફેરવીને) આંઇ પાછો લાવું છું, પણ મારીને પાછો કાઢે છે. આ વેળ કાદાને માથે ચડી ગયા છીએ."