આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પોર્ટ વિક્ટરના વિશાળ ખાળામાંથી ખળખળીને દરિયા-જળ પાછાં વળતાં હતાં. કુંજડાં પંખીની પંક્તિઓ ને પંક્તિઓ, નીલ આકાશમાંથી વિખરાયલ કોઇ કાબરચીતરાં મોતીની મોતવાળ જેવી, મેરામણ ઉપર ઊડી આવતી હતી. કાઠિયાણીના કંઠ-શા એના લંબાયમાન આનંદ-સૂરો મને એક કાઠી લગ્ન-ગીતની, છ વર્ષો પર સાંભળેલી પંક્તિઓ સંભારી દેતા હતા :

લાંબી ડોકે કુંજડ રાણી!
અને તારાં મધદરિયે મનડાં મોહ્યાં રે, કુંજડ રાણી!

કાળી પાંખે કોયલ રાણી!
અને તારાં આંબલિયે મનડાં મોહ્યાં રે! કોયલ રાણી!

રાતે ચૂડે સોમબાઇ રાણી!
અને તારાં જેતપર ગામે મનડાં મોહ્યાં રે! હો વહુરાણી!