આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એ સમકાલીન સંત પીપાજીએ આજથી ચાર સૈકા પૂર્વેની એક સંધ્યાએ દ્વારિકા તરફથી આવીને આ કિનારાની બાવળ-ઝાડીમાં પોતાનું વહાણ નાંગર્યું હશે, અને એની ક્ષુધા ઓલવવા સારુ એક કાનકુંવારી ગાવડીએ આંચળમાંથી દૂધના મેહ વરસાવ્યા હશે. આખો સોરઠ-તીર દીઠા પછી એ દુખિત રાજનનું અંતર આંહીં જ ઠર્યું હશે.

મેં એને રાજા કહ્યા. હા, પીપાજી હતા ઉત્તર હિંદ તરફના કોઈ ગઢગાગરૌન નામે રજવાડાના દેશપતિ. ’પીપા પૂજે કોટકેરાળી’ એ ગીત-પંક્તિ હજુય બોલાય છે. કચ્છના કેરાકોટવાળી કોઈ દેવીના એ ચુસ્ત ઉપાસક હતા. પણ એક દિવસ -

સવા કળશી ખીચડો, ને સવા માણાની શેવ; પીપે મારી પાટુએ, તને દુઃખ લાગ્યું કાંઈ દેવ્ય!

એ પ્રચલિત લોકવાણી મુજબ દેવીને મોટું નૈવદ્ય જુવારવાના અવસર ઉપર પીપાજીને ભાન થયું કે આ દેવીથીયે ચડિયાતો દેવાધિદેવ ઈશ્વર જગત પર બેઠો છે! થાનકમાં માંડ્યાં હતાં તે તમામ દેવીફણાં (પૂતળાં) ઉપાડીને પીપાએ ભારી બાંધી. આઠેય રાણીઓને લઈને દ્વારિકા આવ્યા. ત્યાંથી કહે કે, મારે તો જંગલનો જોગ ધરવો છે. બાઈઓ કહે કે, સાથે આવીએ. પ્રત્યેકની પાસે પીપાએ અક્કેક ધોળું વસ્ત્ર, તુલસીની માળા અને ગોપી-ચંદનનો કટકો ધરી દીધાં : ભેગાં આવવું હોય તો રાજશણગાર ઉતારીને આ ભેખનાં પરિધાન પહેરી લ્યો : નહીં તો સુખેથી પાછાં જઈ રાજસાયબી માણો : કોઈને માથે મારું ધણી તરીકેનું બળજોર નથી. સાંભળીને સાત તો પાછી ફરી ગઈ. ફક્ત આઠમાં અણમાનેતાં સીતાદેવી પીપાની સંગે ચાલી નીસર્યા.

પીપા સીતા રેન અપારા, ખરી ભક્તિ ખાંડાકી ધારા!

એમ સંસારની અઘોર કાળ-રાત્રિને ખરે પહોરે. પીપા-સીતાની બેલડી ખડગ-ધાર જેવા ભક્તિપંથ પર પગલાં માંડતી ચાલી નીકળી.

સોરઠી રત્નાકરને તીરે, તીરે, તીરે; અનંતની ઝાલરી સાંભળતાં, સાંભળતાં, સાંભળતાં : મસ્તક ઉપર પેલાં દેવલાંની ગાંસડી ઉપાડી હશે. કોડીનાર પંથકના કોઈ ઉમેજ નામે ગામમાં એક સંધ્યાએ પોરો ખાવા થોભ્યા. કોઈ સેન ભગત નામના ભાવિકને ઘેર પરોણલાં બન્યાં. રાત્રિએ અતિથિઓ રોટલા ખાવા બેઠાં તે વેળા ઘરમાં યજમાનની ઘરવાળી દીઠામાં ન આવી. મહેમાનોએ હઠ લીધી કે જમીએ તો ચારેય જણાં ભેળાં બેસીને. ઘરનો ધણી ઝંખવાણો પડી ગયો. "ક્યાં છે ઘરનાં મૈયા! સાંજરે તો દીઠાં હતાં ને અત્યારે ક્યાં ગયાં?" ઘરધણી એ પ્રશ્નનો ઉત્તર ન દઈ શક્યો. હૈયું ભરાઈ આવ્યું. કંઈક ભેદ છે સમજીને સીતા મૈયાએ ઘરમાં આંટો મારી શોધ કરી. ઘરધણિયાણીને દાણા ભરવાની ખાલી કોઠીમાં બેસી ગયેલી ભાળી : અંગે એક પણ લૂગડા વિના, નખશિખ નગ્ન! બેઠી બેઠી થરથરી રહી છે.

"ભાઈ! આનું શું કારણ?"