આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"અતિથિદેવ!" ઘરધણી આંસુની ધારા લૂછતો લૂછતો બોલ્યો : "આજ ઘરમાં કશુંય અનાજ નહોતું. એક પણ ઘરવખરી બાકી નહોતી રહી. મારા ઉંબરની આબરૂની રખેવાળ આ બાયડીએ પોતાના અંગ ઉપરનો સાડલો ઉતારી આપ્યો તે વેપારીએ હાટડે મૂકીને હું લોટદાળ લાવ્યો. બાઈએ ન-વસ્ત્રી દશામાં ઓરડો ઓઢીને રાંધણું કર્યું. તમને ખાવા બોલાવ્યાં એટલે એ પોતાની એબ સાચવવા કોઠીમાં ઊતરી. આ અમારી કથની છે."

પોતાની પછેડી વડે બાઈનું અંગ ઢંકાવીને પછી પીપા-સીતાએ ગુપ્ત મસલત કરી. "શું કરશું, દેવી?"

"મહારાજ, કાલે રાત્રિએ આંહીં નાચનો જલસો કરીએ. લોકો જોઈ જોઈને દ્રવ્ય દેશે."

"શી રીતનો જલસો?"

"હું રાજની દીકરી છું. પિયરમાં નૃત્યગીત શીખી છું. આપ ઢોલક બજાવજો, હું નાચીશ. ભજન કરવા બેસશું તો ભજનિકને ભિક્ષા આપે એવું આ ગામ નથી લાગતું. પણ નાયકાને માથે લોક ન્યોછાવર થયા વિના નહિ રહે."

સીતાના રૂપલાવણ્યની સામે પીપાજી તાકી રહ્યા : ’અહહ! આને મેં દુહાગણ કરીને ત્યજી હતી! આના દેહમાંથી આટલી બધી માધુરી નીતરી રહી છે. એ મને ખબર જ ન રહી! આ રૂપ ને આ કંઠ શું ભોગને સારુ નહોતાં સર્જાયા? મારી સીતા શું આજ રાતે આ ગરીબ યજમાન-પત્નીનો દેહ ઢાંકવા માટે નર્તકી બનશે!’

’હિંદુસ્થાની નાચનારી આવી છે! રૂપરૂપનો ભંડાર કોઈ રાજરમણી આવી છે, ભાઈ!’ સાંજ સુધીમાં તો આ સમાચારે ગામને થનગનાવી મૂક્યું. ને રાતે એ લોકમેદનીને પોતાના પગના ઠમકા, હાથના લહેકા તેમ જ હિલોળા લઈ રહેલ રૂપ અને સંગીતનું વશીકરણ છાંટીને સીતામાઈએ યજમાન-પત્નીને છોળે છોળે કમાણી રળી દીધી.

એ પીપા અને એ સીતા આ ચાંચની ખાડીના ખમકાર ઝીલતાં એક સંધ્યાએ આ કંઠાળી આહીરોના મુલક પર ઊતર્યાં અને દેવીનાં ફણાંને ખારાં ખાડી-નીરમાં પધરાવી દઈ એક જગત્પતિની ભક્તિ લઈ બેસી ગયાં. એની ગાળેલ વાવ તે પીપાવાવ. આજ ત્યાં ગામડું વસેલું છે; ધર્મનું થાનક રોપાયું છે. અને મહંતાઈ એટલે રજવાડી ઠાઠમાઠ, ભોગવિલાસના ભ્રષ્ટાચાર કે સ્વપૂજાનાં પાખંડ નહિ, પણ મહંતાઈ એટલે તો પૂર્ણ ત્યાગમાં રંગાયેલ જીવનની સાથોસાથ અહોરાત ધૂળછાણમાં આળોટતી કાયાનું ધેનુઓની રક્ષા કાજે શુદ્ધ આત્મસમર્પણ, પરસેવે નવરાવતી ખેતરાઉ મજૂરી, ગરીબો-શરણાગતોની ટહેલ - એ સુંદર (બેશક રૂઢિગત) પરંપરાનો કંઈક અવશેષ જો સોરઠમાં ક્યાંયે હજુ ટક્યો હોય તો તે પીપાવાવની જગ્યામાં દેખાય છે. ત્યાંના વાતાવરણમાં હજુ પીપા-વાણીના પડછંદા ઊઠે છે કે -

પીપા! પાપ ન કીજીએં,
         (તો) પુન્ય કિયા સો વાર?

*