આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

10
નાવિકોના લોકગીતો

આથમતા કાળની ભૂખરી પ્રભામાં અમે એમને દીઠી : જેમના ચારિત્ર્યની ગિલા - નિંદા ડગલેપગલે સાંભળી હતી તેમને : કતપર ગામની ખારવણ બાઈઓને.

ઊંચા ઊજળા મનાતા વર્ણોને મુખે સાંભળ્યું હતું : બગડેલ ગામ! ભ્રષ્ટ શિયળ! વેશ્યાવડો! એ લોકોને બ્રહ્મચર્ય ન મળે!

ધારણા રાખી હતી કે હશે : ફૂલફગરના ઘેરદાર ઘાઘરા, આછકલી ઓઢણીઓ, પાતર-શી ઓળેલી લલાટ-પાટીઓ, વશીકરણનાં નખરાં, છાકટાઈ, મોજીલાં જીવન, મદોન્માદી મુખબોલ - એવું એવું બધું હશે. તેલ-અરીસા હશે, ભોગની સાહેબી બધીયે હશે, નવરાશ હશે : છકેલીઓ નિર્દોષ શહેરને વણસાડી રહી હશે.

પણ અમે સાચોસાચ શું દીઠું? ગામ ખાલી દીઠું. છૂટાછવાયા હતા તેઓને પૂછ્યું : "ક્યાં ગયાં લોકો?"

"મરદો દરિયાની ખેપે, ને બાઈઓ મ'વે મજૂરી કરવા." (મહુવા કતપરથી બે ગાઉ થાય.)

"ક્યારે પાછી આવે છે બાઈઓ?"

"દી આથમ્યે."

"રોજ સવારે ચાર મૈલ જાય, ને રોજ રાતે ચાર મૈલ ચાલતાં આવે?"

"હાસ્તો, નીકર ખાય શું? પથરા?"

સંધ્યાની ભૂખરી પ્રભામાં અમે એ હીણાયેલીઓનાં ટોળેટોળાં વળી આવતાં દીઠાં : ખેડૂતોની વહુદીકરીઓ પહેરે છે તેવાં ધીંગાં, ગૂઢા રંગના થેપાડાં ને ઓઢણાં, ક્યાંય રંગોની ભભક નહોતી.

નમણી, નિસ્તેજ, થાકેલી, રજે ભરેલી, વાજો..વાજ વહી આવે છે. એને નખરાં, હાવભાવ અને કામબાણ છોડવાની વેળા ક્યાં છે! શક્તિ ક્યાં છે! વેપારીઓનાં કારખાનાંઓમાં પોતાના બળજોર નિચોવીને તો એ બાપડી ચાલી આવે છે. ભૂખી હશે. ઘેર જઈ રાંધશે ત્યારે ખાવા પામશે. પરોઢના ચાર બજતાં તો પાછી ફફડીને જાગશે.

હાથમાં, ખંભે, કાખમાં કે ખોળામાં નાનું અક્કેક બાળ લીધું છે : કોઈ બે જ મહિનાનું, કોઈ બારનું, છાતીએ ધવરાવતી આવે છે; રમાડતી, હિલોળતી, ચૂમતી આવે છે.