આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સ્કૉટલેન્ડની પુરાતન લોક-કવિતાને સમજવા મથનાર એક અંગ્રેજ અમીરપુત્રને એની સ્કૉટિશ પ્રેયસીએ કહેલું આ વચન સોરઠી કાવ્ય-ઈતિહાસને સમજવાની ખરી ચાવી આપે છે. સોરઠી ખલાસીઓ અને ગોવાળીઓનાં ગાન બાગબગીચામાં નથી રોપાયાં. એની ક્યારીઓ તો પડી છે ભયંકર ભેંસલા ખડકની ટોચે, નાંદીવેલના નિર્જળ તપ્ત ભાલ ઉપર, ઉનાળે રોજ દટ્ટણપટ્ટણની રમતો રમતા રેતીના ડુંગરાઓની ગોદમાં.

દરેક પ્રદેશને પોતપોતામો એક મુકરર આત્મા હોય છે. એની સંગાથે એકાકાર ન થઈ શકનાર પ્રવાસીને એ બધું નર્યા પથ્થરો, પાણી, ધૂળ અને ધૂળ થકીય બદતર માનવ-માળખાંથી જ ભરેલું એક સ્થાન દેખાય.

પણ આત્મા પકડનારને માટે તો જરૂરનું છે કે દિવસોના દિવસો સુધી બસ ઝંખના જ એકઠી કર્યા કરવી : કારાગારમાંથી નાસનાર કેદીની પેઠે ઘરનાં સુખસગવડ અને કુટુંબ-મોહમાંથી નાસી છુટવું : રેલગાડી જે છેલ્લા બિંદુ સુધી લઈ જાય ત્યાંથી તો સાચી મુસાફરીનો આરંભ સમજવો. ટપાલના કાગળો જ્યાં નથી પહોંચતા, પાણી જ્યાં કોઈ ખારવાની કાટા મારી ગયેલ ગાગરમાંનું કચરે ભરેલું, પહેરનની ચાળ વડે ગાળીને પીવું પડે છે, સૂવાને સારુ જ્યાં એના મહિનાઓના વણનાહ્યા શરીર સાથે ઘસાઈને બિછાનું કરવું પડે છે, એના દારૂગાંજાની સોડમાં જ્યાં શ્વાસે શ્વાસે પેટમાં ઉતારવી રહે છે, એના રોટાલથી જ જ્યાં જઠર ભરવું પડે છે, ત્યાં ત્યાં, તેવી હાલતમાં અક્કેક અઠવાડિયું દટાઈ રહેવું પડે, એના કંઠનું સાહિત્ય કઢાવવા માટે એની જોડે કાલાઘેલા બનવું પડે, એનાં આંસુઓમાં આંસુ અને એના હાસ્યમાં હાસ્ય મેળવવાં પડે તે પછી જ સાચો 'પ્રાણ' જડવા માંડે છે.

પ્રવાસનાં વર્ણનો, મેં પૂર્વે લખ્યું હતું તેમ, વ્યવસ્થિત ભૂગોળ નથી કે સમાજ વા