આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

લખી કાગળ વજેસંગ મોકલે,
    રે દાદુભા દરિયો પૂજવા હાલ્ય રે!

"એ બધાં રજવાડી હત્યાઓનાં, ઝેર-પ્રયોગોનાં, ગરાસને સ્વાર્થે સગા ભાઈ-ભત્રીજાઓને છેક પારણાંમાં હણ્યાંનાં ગીતો પણ, બાઈઓ, મેં ઘણાં સંઘર્યા છે. મારે તો સાંભળવાં છે તમારાં વહાણવટી-જીવનનાં વેદના-ગીતો."

"ઓહોહો ભાઈ!" ડોશીમાએ કહ્યું : "એવાં તો મારા કોઠામાં છલોછલ ભર્યાં છે. હાલો, અમે ભીંતે ટીપણ ટીપતાં ટીપતાં બેસીને ગાશું. ઈ ગીતો આમ ચૂનો ખાંડવામાં નૈ ફાવે.

મારા તરફ પીઠ વાળી, ટક, ટક, ટક, દીવાલની સિમેન્ટ ટીપતી ટીપતી, રુદનને સૂરે, કશા તાલ વગર, એ આઠ જણીઓ ગાવા લાગી : પોતાના વા'લાનું વહાણ ડૂબતું હોય તે સમયનું ગીત :

લે'ર તો લાગી ને બેડી બૂડવાને લાગી,
    ઘેલા સમદરિયામાં,
        આખરની રે મને લે'ર લાગી.

મધરે દરિયામાં વા'લા વાણલાં હોદર્યાં.[૧]
    મડદમડદ : [૨] નાખીને પાણી લ્યોને માપી!
        ઘેલા સમદરિયામાં - આખરની રે૦

મધરે દરિયામાં વાલા, મામલા મચાયા,
    ઘાયલ ટંડેલિયાની માયા લાગી!
        ઘેલા સમદરિયામાં - આખરની રે૦

વા'લા!
    તજને કારણિયે મેં તો વાવડી ગળાવી;
        પાણીડાંની મસે એક વાર આવી જાની!
            ઘેલા સમદરિયામાં - આખરની રે૦

વા'લા!
    ઘરની અસતરી સાથે નેહ રે થોડેરો;
        ત્રણ રે રૂપિયા સાટુ જીવડો ખોવો!
            ઘેલા સમદરિયામાં - આખરની રે૦


  1. હોદર્યાં : થંભાવ્યાં (હંકારવું ને હોદારવું)
  2. સીસાનું શંકુ આકારનું વજન રસીને છેડે બાંધેલું, જે દરિયામાં ફેંકતા ફેંકતા ખારવા માપતા જાય છે કે પાણીની ઊંડાઈ કેટલાં વાંસ છે