આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

11
ભ્રષ્ટ ગીતો?

કોઈ ભાગેડુ ખારવણનું ઝંખના-ગીત ગવાયું. આવાં ગીતોને આપણે ’અનીતિમય’ કહીએ છીએ : ’અનીતિમય’ : ભ્રષ્ટ : કારણ? કારણ કે આ ગીતો પોતાનાં ગાનારાંનું જીવન જેવું છે તેવું ગાઈ બતાવે છે. બીજું કારણ એ કે આપણાં નીતિનાં, પવિત્રતાનાં તેમ જ સભ્યતાનાં ધોરણો જુદાં છે. આપણી કવિતા જીવનની સામે આરસી ધરતી નથી. એટલે આપણને એક જ ખ્યાલ રહી ગયો છે કે સાચી યા ખોટી, સ્વાભાવિક કે બનાવટી, ભાવનાના ઝાકમઝોળ હિંડોળા ચડાવે તે કવિતા.

હું તો આદર્શોની કવિતા શોધવા નહોતો આવ્યો. ગ્રામ્ય ગીતોમાં કાવ્યનું તત્ત્વ ઘણું ગરીબ હોય છે. એ કાવ્યો નથી. જીવનની આરસીઓ છે. મારે તો એમાં અંકિત બનેલી ખલાસી-જીવનની રેખાઓ પકડવી હતી. કોઈ ફસાયેલી, દગાનો ભોગ થઈ પડેલી ખલાસી કન્યાની મેં આ કાવ્ય-છબી સંઘરી લીધી :

પીથલપરનો પાવો રે, માલિયા! પીથલપરનો પાવો;
તારા પાવાને રાગે હાલી આવું રે, મારી હેડી!
પછવાડે પાવા વાગે રે, માલિયા!
પછવાડે પાવા વાગે,
તારા પાવાને લીલાં પીળાં મોતી રે, મારી હેડી!
હાલ્યને ભાગી જાયેં રે, માલિયા!
હાલ્યને ભાગી જાયેં;
આપણે ભાગીને ભાલ ભેળાં થાયેં રે, મારી હેડી!
મંબી શે‘ર છે મોટું રે, માલિયા!
મંબી શે‘ર છે મોટું;
તુંને કી કી ગલિયુંમાં ગોતું રે, મારી હેડી!