પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૧૩

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વઢવાણથી પોરબંદર સુધીની સીમો આવા દુહાઓને ગાને રેલાતી હતી. મહ–ઊજળીના દુહા ને કથા કંઠે ન હોય એવો માલધારી તમને વીસ વર્ષ ઉપર ભાગ્યે જ કાઠિયાવાડમાંથી મળત. શેણીવિજાણંદ 1930માં સાબરમતી જેલમાં હતા. અમારા વીસ જણના નિરાળા જૂથમાંથી જ્યારે કોઈનો છુટકારો થતો, ત્યારે આગલી સાંજનો એક પોર એ કારાવાસમાં શિવરાતનો મેળો રચાતો. ગુજરાતના વીસેક કાવ્યરસિયા, સાહિત્યપ્રેમી ને સંસ્કારશીલ પુરુષો વચ્ચે કેટલીએક ગીતકથાઓ મેં ગાઈ સંભળાવેલી, તેમાં શેણી–વિજાણંદનો કિસ્સો મુખ્ય હતો. કારાવાસના અમારા રસગુરુ શ્રી મહાદેવ દેસાઈ અને ઉર્દૂ તેમજ સંસ્કૃત રસસાહિત્યના મસ્ત અનુરાગી શ્રી દેવદાસ ગાંધી – બેએ પહેલી જ વાર સોરઠી ગીતકથાનું શ્રવણ કર્યું શેણી-વિજાણંદે એમને ચકચૂર બનાવ્યા. મેલાઘેલા ને માવતરવિહોણા કંગાલ ચારણ જુવાનની જંતર (બીન) બજાવવાની સિદ્ધિ ઉપર ગ્રામવાસિની કુમારી શેણી મોહિત થઈ. વનરાઈના બંને બાળ એકપ્રાણ બની ગયાં. પણ પોતાની કુળ-મોટપમાં છકેલો બાપ એકની એક લાડકવાઈ કન્યાને ભિખારી જંતરવાળા વેરે કેમ પરણાવે ? એકસો ને એક નવચંદરી ભેંસો આણવાનાં દોયલાં વ્રત દઈ જુવાનને વિદાય કરનાર બાપ ભૂલ્યો હતો. પુત્રીનું અંતર પણ એ જુવાનની પછવાડે જતું રહ્યું હતું. એ બે જુવાનોના અમૂલખ પ્રેમની પાસે બાપના કુલગૌ૨વની શી બિસાત હતી? એક વિજાણંદની જ વરમાળ, બીજાની ન બાંધું : ચાર લાખ ચારણ મને પરણવા તૈયાર હોય, તોયે એને બાંધવ કહી બોલાવું. અરે ઓ તેતર ! વનરાઈમાં મારા પિયુની આડે ડાબી બાજુ ઊતરીને અપશુકન દે, જેથી પોઠીડે પલાણેલો પ્રીતમ પાછો વળે. રે ઓઝત નદી! ઊંચે ટીંબે ચડીને ઉછાળો લે, આડી ફરી વળ્ય. તો પિયુ પાછો વળે એમ વર્ષ વીત્યું, સામો અષાઢ આવ્યોઃ વરસ વળ્યાં, વાદળ વળ્યાં : ધરતી લીલાણી : વિજોગ ભોગવતાં સર્વ પ્રકૃતિ-સત્ત્વો પાછાં સંજોગી બની લીલાણાં, પણ એક વિજાણંદને કારણે શેણી સુકાણી. બાપને ત્યજી, સગાંસ્નેહીનાં સગપણ સળગાવી ઘેરથી નીકળી પડેલી વનકન્યા, વિજાણંદના વાવડ મેળવતી, સગડે સગડે શોધ કરે છે. અરે, અંગે ઓઢેલી કામળી ઉતારી, એની ધજા કરી, ચારેય સીમાડા ઉપર ફરકાવે છે, જેથી એ જંતરવાળો જુવાન ક્યાંય હોય તો એ પ્રેમ-ધ્વજ દેખી પાછો વળે. પણ પિયુ ન લાધ્યો. કંકુવ૨ણી ને કોમલાંગી વનકન્યા હેમાળે ગળવા બેઠી. હિમાચળનાં હિમશિખર પર એનાં ગાત્ર ગળતાં હતાં, ત્યાં વિજાણંદ આવી પહોંચ્યો: ‘શેણી! પાછી વળ ઃ તું ભલે પાંગળી થઈ ગઈ, હું ખભે કાવડ ઉપાડી તને તેમાં ફેરવીશ' : પણ શેણીને બંને ભવ બગાડવા નહોતા. વિજાણંદ! છેલ્લી વારનું જંતર બજાવી લે ! સાંભળતી સાંભળતી એ શાતા પામતી મરી ઃ એવી સંવેદનમધુર બરફ-ચિતા ઉપર પુરુષ ભાગીદાર ન બની શક્યો. એ જીવ્યો. એ પણ જેને કાજ જીવતો હતો તે બે – એક શેણી અને બીજું બીન લોકગીત સંચય

402

લોકગીત સંચય
 

સોરઠી ગીતકથાઓ