આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
(૧૮)
મંછી : આવો ભાઈ હું તેડું કે ?
નવલવહુ : જાઓ ભા, કાકી પાસે જશો ? ને ફઈને પગે લાગો.
હરકોર : (છોકરાને માથે હાથ ફેરવીને આશીષ આપે છે) જીવતો રહેજે, ને સો વરસનો ઘરડો ડોસો થજે, ને તારાં માબાપની ચાકરી કરજે ભાઈ એમ કહીને મીઠડાં લીધાં.
મંછી : ચીકાને અફીણ કરાવો છોકે ?

(નાના છોકરાને ચીકો, અથવા કીકો, હલ્યો, ને છોડીને હલી અથવા કીકી કહે છે)

પ્રેમકોર : ના અફીણ નથી કરાવતાં; બત્રીશ વાનાની બાળા ગોળીયો કરી છે, તે એક સવારે ને એક સાંજે, કરાવીયે છીએ. (બાળકને તેજાનાની ગોળી ખવરાવે છે, સુખાકારીથી સુઈ રહેવાને વાસ્તે.)

(નવલવહુએ ધવરાવવા માંડ્યો)

હરકોર : છોકરાના મ્હો ઉપર સૈડાકાનો છેડો ઓઢાડો બાપા, ઊઘાડે મ્હોડે ધવરાવીએ નહિ. કોઈની નજર કેવી હોય ને કોઈની કેવી હોય; બાળકને નજર લાગતાં વાર ન લાગે.

(સાડીનો છેડો જે માથા ઉપરથી આવેલો નીચે કમરમાં ખોસે છે, તેને સૈડકો કહે છે.)

પ્રેમકોર : આપણે તો કહી કહીને થાક્યાં મા; આપણું કહ્યું માનતી નથી, એટલે મેં તો હવે કહેવું પડતું મેલ્યું. વેળાકવેળા નેવાં તળે બેશીને ધવરાવે છે, ઊંબરા ઉપર આતવાર મંગળવારે બેશીને ધવરાવે છે, કાંઇ કહેવાની