આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
(૩૦)
ખેડુત : એનું નામ માણકચંદલાલ છે ?
શેઠાણી : ઓ તારાચંદ, અહીં આવ્ય. પેલો અંગ્રેજી ભણેલો તારા બાપને નામે નામ છે, તેનું નામ આ પટેલને કહે.
તારાચંદ : "માણકલાલ."
શેઠાણી : હા, એ.

તમારા ઘરવાળાં કેમ વેગળાં ઉભાં થઈ રહ્યાં છે ?

ખેડુત : માથે આવી છે.
શેઠાણી : અટકાવ આવ્યો છે ?
ખેડુત : હા.
શેઠાણી : આજ કેટલા દહાડા થયા છે ?

(ચોથે દહાડે નાહ્યા પછી અડકાય ત્યાં સુધી ભંગીયાની પેઠે વેગળે રહે છે.)

ખેડુત : રસ્તામાં આવતાં અળગી થઈ.
શેઠાણી : શી ચિંતા છે ? અહીં બોલાવો, વેગળે આવીને બેસશે.
ખેડુત : અલી.

(ગરીબ લોકો પોતાની સ્ત્રીને અલી કહીને બોલાવે છે.)

પટલાણી : શું છે ?
ખેડુત : શેઠાણી તને બોલાવે છે, માટે તું અહીં આવીને વેગળી બેશ, ને હું આ શેલડીઓની બીજી ભારી છે તે હીરાચંદ શેઠને ઘેર આપી આવું.

(પટલાણી શેઠાણી પાસે બેઠીને ખેડુત હીરાચંદ શેઠને ઘેર ગયો.)

ખેડુત : લ્યો શેઠ આ શેલડીઓ તમારે વાસ્તે લાવ્યો છું.