આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
(૩૫)


પ્રેમકોર : એ તો આ વખતમાં ભાગ્યવાન થઈ ગયા, દીકરાને ઘેર દીકરા છે. એવી આડીવાડી મુકીને ગયા. એમનો શોગ હોય નહીં.
હીરાચંદ : પણ તારી કાકી રાંડી ખરી કે નહીં ?
પ્રેમકોર : તે તો શું કરે, ધણી દીકરા પહેલાં, ચુંદડી મોડિયે જઈએ એવાં તો ક્યાંથી નશિબ હોય ?

(ધણી જીવતાં જે સ્ત્રી મરે તેની લાશને ચુંદડી મોડીઓ ઓઢાડીને બાળવા લઈ જાય છે.)

હીરાચંદ : તારે ત્યાં કાણે જવું પડશે કે ?

(કોઈ સગું મરી જાય તેને ઘેર રોવા-કુટવા જવાનો ચાલ છે.)

પ્રેમકોર : હું, ને ઝવેરચંદ એક દહાડો કાણે જઈ આવીશું, તમે ઘેર રહેજો.

પ્રકરણ ત્રીજું

મંછી  : તમારી કોટમાં શું રામનામા છે કે શ્રીનાથજીનાં પગલાં છે ?
પટલાણી : આ તો શોક્ય પગલુ છે.
મંછી  : તમારે શોક્ય મરી ગઈ છે કે શું ?
પટલાણી : મારે બે શોક્ય મરી ગઈ છે ને હુંતો ત્રીજી છું. એક શોક્યપગલું ભાગી ગયું છે; તે ફરીથી કરાવવું છે. (જેટલી સોક્યો મરી ગઈ હોય તેટલાં શોક્યપગલાં કોટમાં રાખે છે કારણ કે તે ભૂત થાય તો નડે નહીં)