આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
(૩૬)

(એટલી વાત થઈ ત્યાં પેલો પટેલ આવ્યો.)

મંછી  : આ તમારે ઘરવાળ આવ્યા.
પટલાણી : હવે તો અમે ઘેર જઈશું.
મંછી  : વળી કોઈ દહાડે આવજો.
પટલાણી : શા સારૂ નહીં આવીએ ? આહીં અમારૂં ઘર છે.

(મતલબ કે તમારૂં ઘર છે તે અમારૂં જ છે.)

મંછી  : હજારવાર.

(પછી પટેલ-પટલાણી ગયાં.)

(મંછીવહુએ સાંભળ્યું કે પ્રેમકોરબાઈનો પિત્રાઈ કાકો ગુજરી ગયા એટલે બે ત્રણ બાઈડીઓને લઈને સાંજ ઉપતર હીરાચંદ શેઠને ઘેર મોહો વાળવા ગયાં.)

(જેનું સગું ગુજરી ગયું હોય તેને ઘેર મોહોબતવાળી સ્ત્રીયો સાંજ ઉપર રોવા જાય છે.)

મંછી  : (હીરાચંદશેઠના ચાકરને પુછે છે) શેઠાણીનો કાકો મરી ગયા તે આજ મોહો વાળશે કે ?

(જે દહાડે દીકરાને નિશાળે બેસાર્યો હોય, અથવા સગાઈ કરી હોય, કોઈ ગામ જનાર હોય, તો તે દહાડે મોહોવાળતાં નથી.)

ચાકર  : હીરાચંદ શેઠે ધોળેરે જવાના છે તે આજ પસ્તાનું કરવાનું છે માટે આજ તો મોહો નહીં વાળે.
પ્રેમકોર : આવો, આવો મંછીબાઈ આવો.
મંછી  : હા આવ્યાં.
પ્રેમકોર : આજ તો મોહો નથી વાળવાં.