આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
(૩૭)
મંછી  : અમને તો તમારે ચાકરે કહ્યું. તમારો કાકો કેટલા વરસના હતા.
પ્રેમકોર : હતા તો ઘરડા, પણ તેમના દીકરાઓને ઓથ હતી.
મંછી  : જો બાઈ એવું ખરૂં જ તો, સો વરસે કાળ પડે તોપણ વસમો લાગે.
પ્રેમકોર : દીકરા છે તે ડોસાને અજવાળશે, ને સારૂં ખરચ પાણી કરશે.
મંછી  : ઠીક ત્યારે અમે જમવા આવીશું.
પ્રેમકોર : સમ ખાઓ જોઈએ.
મંછી  : ધરમના સમ.
પ્રેમકોર : મારા સમ ખાઓ.
મંછી  : તમારા સમ તો ખવાય ?
પ્રેમકોર : ધર્મના સમ તો તમે કદાપિ, જુઠા ખાતાં હો ત્યારે.

(જ્યારે દોસ્તીની રાહે સોગન દેવા હોય ત્યારે પોતાના ઘરના માણસના દે છે ને જ્યારે સામા વડિયાને દેવા હોય ત્યારે તેના ઘરના માણસના દે છે.)

મંછી  : એમાં શા પાંચ પઇશા મળવાના છે તે ધર્મના જુઠા સમ ખાઈએ. તારાચંદનો બાપ મોકલશે તો આવીશું.
પ્રેમકોર : નહીં નહીં, મશ્કરી નહીં, તમારે જરૂર આવવું જોઈએ. ન આવો તો તમને ઝવેરચંદના સમ.
મંછી  : અરર, ખમા કરે, ઝવેરચંદને; એવા સમ શા વાસ્તે દો છો ? હું આવીશ.
પ્રેમકોર : તારાચંદને સાથે લાવજો, એ તો વિવાહ જેવું કહેવાય.
મંછી  : સારૂં લાવીશ; શેનું ખરચ કરશે ?