આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
(૯)
પ્રેમકોર : (પોતાના ચાકરને કહે છે) અલ્યા ચાલ્ય ઝટ, અહીં એક નાની જાજમ લાવીને પાથર.
ચાકર : પાથરું છું.

માણકચંદની વહુએ પ્રેમકોરબાઈને પગે પડાવા માંડ્યું ( વહુ હોય તે વૃદ્ધ અથવા પોતાથી મોટી હોય તેને પગે પડે છે)

પ્રેમકોર : નાના, રહેવા દો; તમે હવે શું મારે પગે પડશો. તમે મારાં જેવડાં કહેવાઓ.
પ્રેમકોર : ઓ નવલવહુ, તમે શેઠાણીને પગે પડો.

પછી નવલવહુ પગે પડી. એટલે મંછીવહુ કહે છે કે લ્યો રાખો, ટાઢાંપેટ, વસ્તાંપેટ, દીકરા જણજો, ને ઘર ભરજો!!

પ્રેમકોર : આવો આપણે મળીએ, કેમકે ઘણે દહાડે ભેળાં થયાં છીએ.

(એકબીજાને બાથ ભરીને મળવાનો ચાલ છે. તે બારબરીયાંને મળે છે.)

મંછી : હા, ઠીક, લ્યો મળીએ. પછી મળ્યાં.
પ્રેમકોર : (પોતાના ચાકરને કહે છે) અલ્યા ઊઠને, ત્યારનો શું કરે છે ? જાજમ લાવીને પાથર, સઊ ઊભાં થઈ રહ્યાં છે.)

(ચાકર સુસ્ત, ઘણું કરીને ચાકર કણબી હોય છે.)

ચાકર : આવું છું તો ખરો; હું તે એકલો ચેટલુંક કામ કરૂં ? આ થાળીઓ માંજીને આવું છું.

(ચાકરની બેઅદબી)

પ્રેમકોર : ઊઠીને પીટ્યા, બળી તારી થાળીયો માંજવી;