આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
બીજી આવૃત્તિની પ્રસ્તાવના.

'સ્ત્રોતસ્વિની'ની પ્રથમ આવૃત્તિ છપાઇને પ્રસિદ્ધ થયાને આજકાલ દશકા વીતી ગયો. કવિના બીજા કાવ્યસંગ્રહો જેટલો આકર્ષક આ સંગ્રહ જનતાને નથી થઈ ૫ડ્યો, અને તેથીજ તેની પછી ત્રણ વર્ષે છપાયેલ, 'નિર્ઝરિણી' ની બીજી આવૃત્તિ સાથે આ સંગ્રહની બીજી આવૃત્તિ છપાઈ શકે છે. સ્વ. કવિના સધળાં કાવ્યોનો સાંગોપાંગ અભ્યાસ કરનાર કવિના એક પણ કાવ્યથી કે કાવ્યગ્રંથથી વંચિત ન રહેવો જોઈએ, એમ ધારીને આ સંગ્રહની પણ બીજી આવૃત્તિ છપાવવાની હામ ભીડી છે. કવિના અન્ય સંગ્રહોની તુલનાએ આ સંગ્રહનું સ્થાન કયાં ને કેવું ગણાય, એ પ્રશ્ન વાચકો ને સમાલોચકો પર છોડવો ઉચિત લાગે છે.

આજે દશ વર્ષે કવિનો આ દ્વિતીય સંગ્રહ પુનઃ છપાય છે, ને ગુર્જર વાચકેાને ચરણે ધરવામાં આવે છે, તેથી કવિના આત્માને ભારે સંતેાષ થશે, એમ કહેવાની તેમજ સ્વ.મિત્રનું આટલું કાર્ય કરતાં મ્હને થતો આત્મસંતોષ કહી બતાવવાની જરૂર નથી.

કવિના બધાજ સંગ્રહોને એકજ ઢબે ને એકજ કદના છપાવીને છેવટે છુટક તેમજ એક ગ્રંથ તરીકે વાચકોને સુલભ કરવાની દિશામાં આજે ત્રીજું પુસ્તક પૂરૂં થાય છે. હવે પછી 'નિર્ઝરિણી' અને 'શૈવલિની'- જેની પણ એક્કેય નકલ આજે ઉપલબ્ધ નથી, તે છપાશે.

મ્હારા આ કાર્યમાં તન, મન, ધનથી મને ખૂબ સાથ દઈ રહેલ શ્રીયુત જ. ના. વર્માને સાભાર સંભાર્યા વિના હું રહી શકતો નથી.

ભાવનગર
મહિલા વિદ્યાલય
તા. ૧૩-૪ - ૨૯
}
લે.
અમૃતલાલ વ. દાણી