આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
(૮૭)
<poem>

ગૃહિણી

( શિખરિણી )

કર્યા દોષો કોટિ, અમિત અપરાધો તુજ તણા, અને પીડા આપી હૃદય-તલ માંહે ત્યજી દયા. વિના વાંકે કીધા અપરિમિત આઘાત ઉલટા. રડાવ્યું, સંતાપ્યું સહજ રસભીનું ઉર સદા.

તથાપિ તેં ચાહી સહન સઘળું કેવળ કર્યું, પ્રતીકારે ક્યારે પડી હૃદય ના વ્હાલ વીસર્યું; હતી જેવી વૃત્તિ પ્રથમ દિન ભોળા હૃદયની, હજુ તેવી વૃત્તિ વિમળ સમભાવે વિલસતી.

હજારો મુશ્કેલી પ્રણય ત્યજી નાખી તુજ પરે, તપાવી, ખીજાવી, સતત રખડાવી શઠપણે; તથાપિ છાયા શી સહેચરી બની સંગ વસતી. નહિ કયારે કોપી વદન થકી દુઃશબ્દ વદતી.

વૃથા ગાજ્યો વેગે, અધિક ઉકળાટો ઉર કર્યા, અને શંપાપાતે મૃદુ હૃદય ચીયું મમતમાં; અકાળે ઉશ્કેરી અનિલ બહુ ઝંઝા પ્રકટતો, કદી એકે બિંદુ શઠ જલદ ના હું વરસતો.