આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( ૯૨ )
<poem>

વિમલ ઉરને વીંધુ વ્હાલા ! કયા અપરાધથી ? હૃદયતલથી ત્યાગું એને કયા અધિકારથી ? કુલિશ કદલીશીર્ષે મારે નથી કદી નાખવું, કમલ કુમળું કંપાવીને નથી કરમાવવું.

જનક બનવા માટે શાને પડું પતિધર્મથી ? જનક બનવા કેરી ઈચ્છા નથી ઉર બાળતી; પ્રણય ફળ હું પામી ચૂક્યો પ્રિયા-ઉર પાસથી, ઇતર ફળને અર્થે એને ત્યજુ કયમ મોહથી !

સુત જગતને સોંપી દેતો હશે સુખ સ્વર્ગનું, સુતરહિતના ભુંડા ભાગ્યે હશે, નરકે જવું; સુરસદનની શાંતિ સ્હેજે અહીં મુજને મળે, પ્રણય રસને પીતાં પીતાં પળે સુખની પળે.

અમરસુખ આ છેડી દેવા અરે ! નથી ઈચ્છતો, જગત-સુખનાં ખાટાં ખારાં ફળે નથી રાચતો; જરૂર સુખની વ્યાખ્યા જૂદી જનો જગનાં કરે, મુજ હૃદયને એવી વ્યાખ્યા નહિ ઘડીએ ગમે.

કઠિન હૃદયે બે પત્નીનું ભલે સુખ ભોગવે, દશ તનુજને પામી સ્વર્ગે ભલે પછી સંચરે; જનક-સુખને લ્હાવો લેતાં ભલે જગ માણતાં, ઉર ઉભયને સ્નેહાભાસે ભલે સમજાવતાં.