આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( ૧૦૪ ) <poem>

અરે ! એ મેં જોયું, પણ નહિ કશું એ કરી શક્યો, શુણ્યા મીઠા શબ્દો, પ્રતિવચન ના કૈં દઈ શકયો, નહિં સંબંધીને તુજ હિત કશું સૂચવી શકયો, દબાયેલો દુઃખે, નહિ હૃદય મૂકી રડી શક્યો !

હશે આશા તારા ઉર મહિં કશા ઉત્તર તણી, પરંતુ મારી તે અતિ વિષમ ભુંડી સ્થિતિ હતી; પ્રસંગો આવાની બહુ દિન ઉપેક્ષા કરી હતી, પિતાની હૈયાની સ્થિતિ અહહ ! આજે અનુભવી!

હવે કયાં એ મીઠા વિમળ ઉરનું દર્શન કરૂં ! હવે કયાં એ કાલા શ્રવણપુટ માંહે સ્વર ભરૂં ? હવે કયારે આવી લલિત ઉર એ લાડ કરશે ? અને સૂનું કયારે સદન રસગાને ગજવશે ?

નવેલી સૃષ્ટિને નિરખી નહિ કયારે નયનથી, ભણી ના ભૂગોળે, નહિ શ્રવણથી સાંભળી હતી; સ્થિતિ એની કયારે નહિ શિશુ–ઉરે ઉતરી હતી, ગઈ ત્યાં ઓચિંતી મુજ વચનને મસ્તક ધરી !

અજાણી સૃષ્ટિમાં નિયમવશ નિત્યે નિવસવું, અજાણ્યા માર્ગોમાં ગૃહવધૂ બનીને વિચરવું; અજાણ્યા સંબંધો સકળ સહુ અંશે સમજવા, અજાણ્યા લોકોનાં હૃદય પટુતાથી રીઝવવાં.