આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
(૧૧૩)
<poem>

એક સ્મૃતિ

(દ્રુતવિલંબિત)

વિવિધ વર્ષ અનેક વહી ગયાં, સમયનાં પડ કૈક ચડી ગયાં; કંઈક કષ્ટશિલા હૃદયે પડી, ઉખડી કૈંક ગઈ, રહી કે જડી.

અવનવાં બહુ દૃશ્ય અનુભવ્યાં, હૃદયને કંઈ રંગ ચડી ગયા; કંઈક મિત્ર મળ્યા, ત્યજી કૈં ગયા, સ્વજન કૈંક થયા, વહી કૈં ગયા.

કંઈ પળો રમતી સુખની ગઈ, કંઈ પળો રડતી દુઃખની ગઈ; હૃદય કૈંક મળ્યાં, હૃદયે જડ્યાં, હૃદય કૈંક હસ્યાં, વળી કૈં રડયાં.

અમિત આશલતા ઉર ઉદ્ભવી, કુસુમથી, ફળથી લચી કૈં પડી; કંઈ વધી પન વંધ્ય રહી ગઈ, પ્રકટતાં કંઈ ધૂળ વિષે મળી.