આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( ૧૨૭ ) <poem>

અરે ! શાને શાણી ! મમ હૃદયરાણી ! ટળવળે ? સલુણી છોડી દે રૂદન, નહિ તેથી કંઈ વળે, વિપત્તિ પ્રાણીને સહન કરવાની શિર સદા, સુખો દુઃખો સર્વે મનુજ-ગણ માટે નહિ મૃષા.

સ્થિતિ જોને ! કેવી બહુવિધ બને એક દિનની ? ઋતુના ભેદેથી ષડવિધ નથી શું વરસની ! અને તેવી રીતે સમય વધતાં આ શરીરની, દશાભેદે એવી સ્થિતિ થતી સદા સંસૃતિ તણી.

શિરે સૌને શાણી ! મરણ રજની ને દિન વસે, સુએ, બેસે સર્વે પણ વિપળ ત્યાંથી નવ ખશે; જવું વ્હેલું મોડું ત્યજી જગત, પ્રાણી સકળને, રડ્યાથી, કુટ્યાથી, વિધિનિયમ મિથ્યા નહિ બને.

સગાં ને સંબંધી પવનવશ સૌ અભ્ર સરખાં, થઈ ભેગાં છૂટે વિવિધ ભવનોમાં વિહરતાં; ગયા જોને ! કોટિ મનુજ, ત્યજીને સર્વ મમતા, જવું તેવી રીતે, શરીરધરને શી અમરતા ?

વિપત્તિ જે વ્હાલી ! શરણગતની સત્વર હરે, ત્યજાવે સૌ ચિંતા, પ્રણયરસથી માનસ ભરે; પ્રભુની પ્રાપ્તિને પુનિત પથ ઉદ્ઘાટિત કરે, અરે ! એ મૃત્યુનું શરણ ભયકારી ક્યમ ઠરે ?