આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( ૧૩૮ )

<poem>

વીત્યું અર્ધું વરસ, વરસ્યો મેઘ આવી ફરીને, રીઝી પૃથ્વી સુભગ નવલો વેષ અંગે ધરીને; ક્ષેત્રે નાનાવિધ કણ થકી ઉભરાતાં જણાય, વૃક્ષો કોટિ ફળ, કુસુમ ને પત્ર પામી સુહાય.

મૃત્યુ કેરા અનવરત એ ચર્વણેથી બચેલાં, એના લાંબા વિષમ ક૨માં જે જઈ ના પડેલાં; પામ્યાં હૈયે હરખ અતિશે શિષ્ટ સર્વત્ર પ્રાણી, કો સ્થાને ના રહી કઠિન એ કાળ કેરી નિશાની.

અતે પેલું મુદિત મનથી યુગ્મ પાછું વળ્યું છે, જેણે કિંચિત ધન ઉદરને પોષી પેદા કર્યું છે. સંધ્યાકાળે નિજ સદનનું દ્વાર આવી ઉઘાડે, ત્યાં એ બન્ને કુણપ સરખાં બાળ બેઠાં નિહાળે.

ધીમે ધીમે શ્વસન વહતો અંતરે છેક ઉંડો, સુકાં અંગો, કંઈ ચળકતી સ્તબ્ધ દેખાય અાંખો, માને દેખી "અશન અમને આપ માડી ! ઉતારી," બેાલ્યાં ધીમે "બહુ સમયથી જે ક્ષુધા પૂર્ણ લાગી !"

"શિંકે કાંઈ નથી, તુરત હું રાંધીને અન્ન આપું, "વ્હાલાં મારાં શિશુક ! ધરજો બે ઘડી ધૈર્ય બાપુ!" બોલી એવું સહજ સઘળાં પાત્ર નીચે ઉતાર્યાં, ભોળી માતા ! નિકટ જઈને બાળને તે બતાવ્યાં !