આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( ૨૧)
<poem>

હવે તે તું વ્હાલી ! અમ ઉર વિષે વાદળી વસી, દીસે રિક્તાકાશે ભ્રમણ કરતી એકજ રહી; હણાયેલે હૈયે મધુર તુજ મૂર્તિ રમી રહી, અને ભીની દૃષ્ટિ તુજ મુખ–સમીક્ષા કરી રહી.

હવે તે હેતેથી હૃદયરસ વ્હાલી ! વરસજે, અમારા સંતાપો બહુ દિવસ કેરા બુઝવજે; ભલે ધીમે ધીમે તુજ જીવનનું દાન કરજે, અને આ પ્રાણોમાં વિવિધ રસ રેડી મળી જજે.

અરે ! જો, આ સામે અનિલ તુજને પાય પડતો, અધીરે આકર્ષી હરણ કરવા ઉદ્યત થતો; રખે એની સંગે હૃદય રખડાવી વહી જતી ! રખે દેતાં દેતાં જીવન, કર તાળી દઈ જતી !

ભલે તું નિર્ઘોષે નહિ મનુજનાં માનસ હરે, ભલે ના દીપ્તિથી ભભક ભરતી આકુલ કરે; પરંતુ કૈં જૂદું તુજ હૃદયમાં વ્હાલ વિલસે, અને એથી આશા ધરી અધિક આ અંતર હસે.

તને જીતી લેવા અમ નિકટ શક્તિ કંઇ નથી, તને આકર્ષંતી અમળ અનુરક્તિ કંઈ નથી; પરંતુ પ્રેમીનાં ઉર કંઈ અપેક્ષા નવ ધરે, નિસર્ગેથી નિત્યે સકળ જનનાં સંકટ હરે. ૩૩૧