આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( ૨૭ )
<poem>

મારાં મીઠાં પ્રિય–મિલનમાં વિઘ્ન વર્ષાવનારો, ને દાઝીલો નિકટ રમતો ના ગમે એ નઠારો; તોએ ન્હાનો દિયર સમજી હું ક્ષમા નિત્ય દેતી, ને તોફાનો શિશુહૃદયનાં શાંતિથી સાંખી રે'તી.

કયારે એને ઉર અવગણી વર્ષવા હર્ષ ધારે, વ્હાલો મારો વિકળ બનતો, એ થતો સ્તબ્ધ ત્યારે; ત્યાં તે ભૂંડી મલિન મનની શીધ્ર મારી સપત્ની, ઉશ્કેરીને કુપિત કરતી વીજળી વ્હાલવ્હોણી.

ભૂલી વૃત્તિ સરલ ઉરની અ થકી કંથ મારો, ક્રોધાવેશે કટુ વચનથી ગર્જતો કૈં અધીરો; શબ્દાઘાતે વ્યથિત કરતો સર્વથા સ્વાન્ત મારૂં, હા ! દુઃસંગે વિમલ હૃદયે વ્હાલ કેવું વીસાર્યું !

સ્વામી કેરૂં હૃદય પલટ્યું અંતરે એમ જાણી, પામી પૂરૂં બળ, ઉલટતી શા૫તી શોક્ય મારી; દોડી આવી નિકટ, ઉરથી ફેંકતી ઉગ્ર જ્વાલા, બાળી દેવા હૃદય, કરતી ક્રોધથી કૈંક ચાળા.

ભીરૂ મારાં શિશુક સહુ એ જોઈ બ્હીતાં બિચારાં, ચીસો દેતાં કરૂણ રવથી હાય ! રોતાં બિચારાં; અંકે એને લઈ હૃદયથી ચાંપતી ચૂમતી હું, પંપાળીને પ્રણય–વચને શોક સંહારતી હું.૩૯૭