આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( ૨૯ )
<poem>

કોટિ વિઘ્ને ભરિત ભવમાં સ્નેહનો માર્ગ લાંબો, આડા ઉભા પદ પદ વિષે તસ્કરો ત્યાં હજારો; લેાભાવી કે સહજ ભયથી મુંઝવી મેાહ આપી, લૂંટી લેતા પ્રણય-ધન એ ઉગ્ર અસ્ત્રો ઉગામી.

હા ! પ્રેમીને અયુત અસિની ધારમાં ચાલવાનું, ને હૈયાંને વિષમ વિષના પાનથી પોષવાનું, અગ્નિ કેરા સતત બળતા પેટમાં પેસવાનું, ને કાંટાની કઠિન કપરી સેજ માંહે સુવાનું.

તીખા તીણા શર જગતના છાતીએ ઝીલવાનું, ને ઝેરીલા વિષધર તણા સંગમાં ખેલવાનું; કાચા સૂત્રે ગગન-પથમાં દેહ દોલાવવાનું. ને સિંધુના ઉપર ચરણો માંડીને ચાલવાનું.

હા ! એ અંતે ગઈ ભવનમાં દાઝતી આ૫ અંગે, ને પસ્તાવે મલ હૃદયનો નાથ ધોતો નિરાંતે; દુ:સંસર્ગે હૃદય પ્રણયી ભાન ભૂલે કદાપિ, તેાએ અંતે સહજ શુચિતા ઉદ્ભવે અંતરેથી.

જો જો ! આવે મુજ ભણી હવે હસ્ત લંબાવતો એ, કેવું મીઠું ઉર ઠલવતો, નાચતો રાચતો એ ! નવ્યોત્સાહે પય વરસતો, ભેટતો ભવ્ય ભાવે, ને આ મારૂં ઉર ઉલટતું વ્હાલ ઝીલી વધારે.૩૩૯