આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( ૫૭ )
<poem>

ભાસે તને મનુજના મન માંહિ શાંતિ, સેવે પરંતુ અતિ ચંચળ સ્વપ્નસૃષ્ટિ જેમાં પ્રપંચ જગથી વસતા વધારે, ને દીર્ઘ એ પદવીનો નવ પાર આવે.

તોફાન કૈંક મહિં પ્રાણી સહુ પડેલાં, નિદ્રા તણા પટ તળે રમણે ચડેલાં; સંદેશ એ તુજ તણો શ્રવણે ન ધારે, શાને કરે રૂદન નિર્જન રાન માંહે ?

કો જાગશે જન શુણી કદી શબ્દ તારો, તો માનશે અતિ અમંગલ આ લવારો; એ સાંભળે સ્તુતિ તણાં વચનો સદાય, ને સ્વાર્થનાં કથનથી પરિતુષ્ટ થાય.

આ ગૂઢ મંત્ર નહિ અંતરમાં ઉતારે, તેાએ સદૈવ વદજે અંહિ બંધુભાવે; એથી સ્મૃતિ નિધનની અમને રહેશે, કર્ત્તવ્યમાં ઉલટ એ દિનરાત દેશે.

છોડી પ્રમાદ કરશું ઝટ કાર્ય એથી, ને વ્યર્થ મેાહ ત્યજશું અમ અંતરેથી; વ્હાલાં અનેક સ્વરથી સ્મૃતિ માંહિ આવે, જે શાંતિના હૃદયમાં વિલસે સદાયે.