આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
॥ सुदर्शन गद्यावलि. ॥
અભ્યાસ.
( ૧ )

અભ્યાસ શાનું નામ ? નિશાળો અને પાઠશાલાઓમાં એકડે એકથી તે સારી સારી પદવીઓ મેળવવાના ઉપયોગ સુધીનું જે શિક્ષણ અપાય છે તે અભ્યાસ કહેવાય છે, પણ તે અભ્યાસ વિષે અમારે કહેવાનું નથી. એ અભ્યાસ, માણસને આ દુનિયામાં કેમ સુખી કરવું, કેમ વ્યવહારકુશલ બનાવવું, મંડલીમાં ફરી હરીને મનને મોજ આપે અને લે તેવું બનાવવું, એવા ઉદ્દેશોથી ચાલે છે. અને તેજ ઉદ્દેશો મનુષ્યના જીવિતના સર્વોત્તમ ઉદ્દેશ છે એમ જ્યાં સુધી આપણે માનતા નથી ત્યાં સુધી એ અભ્યાસ ઉપર વિચાર કરવા કરતાં અભ્યાસના અન્ય પ્રકારો વિચારવા એ વધારે ઉચિત છે, આવી શંકા પ્રથમે થાય છે ખરી, પણ એ અભ્યાસે યથાર્થ દૃષ્ટિથી કરાય, એ અભ્યાસે નિરીક્ષણ અને અવલેકનપૂર્વક થાય, હૃદય અભ્યાસમાં એકતાન થઈ જાય એ રીતે થાય, તે એમાંથીએ જગતને ભવ્ય તત્ત્વોનું દર્શન થયા વિના રહે નહિ. ઝાડ ઉપરથી ફલ તૂટી પડતાં તો કોણ નથી જોતું ? પણ ન્યુટને તે જોયામાંથી ગુરૂત્વાકર્ષણનો મહા નિયમ ઉપજાવી કાઢયો. ચહાદાની અને આધણની તપેલીઓ ઉપરથી કોના ઘરમાં ઢાંકણાં ઉછળી નથી પડતાં ? પણ સ્ટીવન્સને તેમાંથી જે વરાળયંત્રના આપણે અનેકાનેક લાભ ભોગવીએ છીએ તે શોધી કાઢયું. તાર આફીસમાં ઘણાએ કારકુન પ્રતિદિવસમાં પાંચસોવાર વિદ્યુદ્યંત્રને ઠગઠગાવે છે, પણ ટેલીફોન માટે વિદ્યુતનો ઉપયોગ કરવાનું તો ઈડીસનનેજ સુઝયું. શબ્દો, વાક્યો, વચનો કોણ નથી વાચતું ? સારુ પાંડિત્ય કરી વાદવિવાદોની પાર કોણ નથી ઉતરતું ? પણ શબ્દજાલથી શાકુંતલનો સ્વાદ તો કાલિદાસેજ ચખાડયો. મનુષ્યપ્રકૃતિના સૂક્ષ્મ વિકારનો પ્રભાવ શેકસપીઅરેજ ચીતર્યો, ઉપનિષદો અને વેદના અધ્યયનમાં સર્વત્ર નિર્વિવાદ એ અભેદવાદ શંકરેજ ઉ૫જાવ્યો; એ બધાં અભ્યાસનાં ફલ છે એમ તો રાંડીરાંડ ડોશીઓ પણ રોજ કહે છે. પણ એ અભ્યાસનું તત્ત્વ શું છે? તમે એમ કહેશો કે ઈશ્વરી પ્રતા૫, પ્રતિભા (genius), ઈત્યાદિ અનેક કારણ છે; પણ એવો પ્રતાપ, એવી પ્રતિભા અમુકમાં કેમ, અમુકમાં કેમ નહિ, એ પ્રશ્નનું ઉત્તર આપતાં પાછું વશપરંપરાથી આવેલી શક્તિ અને પોતે પ્રાપ્ત કરેલી યોગ્યતા, એ બે વાત ઉપર આવશો, અને કદાચ છેવટ પાછલા જન્મોથી ચાલતો આવેલો સંસ્કાર પણ માન્ય કરશો તથાપિ એ પ્રશ્નનું ઉતર તે એટલાથીજ થઈ શકે કે ગમે તે જન્મમાં કે વર્તમાન જન્મમાં જેવો પુરુષાર્થ થાય તેવીજ પ્રતિભા આવે છે, તેવીજ બુદ્ધિ ખીલે છે, તેવુજ પરાક્રમ થઈ શકે છે. ત્યારે એ પુરુષાર્થનું તત્ત્વ શું છે એપણ જાણીએ તો જે પ્રશ્નનો વિચાર ચાલે છે તેનું ઉત્તર આવી રહે. એ પુરૂષાર્થનું તત્ત્વ પોતાની ઇચ્છા, પોતાના હૃદયની એક એક વિષય સાથે એકાગ્ર એકતાનતા, અને તે જેણે જેટલે