આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૯
બુદ્ધિનો વિકાસ.


સિદ્ધાંતોની અપૂર્ણતા દેખાવા લાગી. આર્યઋષિઓએ શેાધી કહાડેલાં મહાન સત્યો આગળ પાશ્ચાત્ય સિદ્ધાંતો તેને માત્ર આભાસ જેવા જ જણાયા અને હિંદુ તત્વજ્ઞાનની મહત્તા તેના મનમાં ઠસી રહી. પરંતુ વેદાન્તનાં કેટલાંક સત્ય બુદ્ધિથી અગમ્ય હોઈ અનુભવગમ્ય છે. નરેન્દ્રમાં તે અનુભવની ખામી હોવાથી તેના મનમાં ક્વચિત શંકા થતી કે, “વેદાન્તથી પણ અધિક સરળ અને શ્રેષ્ઠ માર્ગ કોઈ હશે ખરો ? ”

તત્વજ્ઞાનની સાથે નરેન્દ્ર ઇતિહાસનું પણ ઉંડું અધ્યયન કરતો હતો. અંગ્રેજી પ્રજાની ઉત્ક્રાન્તિઓ, તેનાં મહાન લક્ષણો, રાજદ્વારી ઉથલ પાથલો, અવનવા બનાવો અને રાજદ્વારી પુરૂષનાં મહાન ચારિત્રોનો તેણે ઉંડો અભ્યાસ કર્યો. ગ્રીનનો બનાવેલો “અંગ્રેજ પ્રજાનો ઇતિહાસ” તેણે ખંતથી વાંચ્યો અને ઇંગ્રેજ પ્રજાનું બંઘારણ કેવી રીતે બંધાયું તેની પુરેપુરી માહિતી મેળવી. આખા યુરોપનાં રાજ્યનો ઇતિહાસ તે શિખ્યો. ફ્રેન્ચ રેવોલ્યુશન-ફ્રેન્ચ પ્રજાની ઉક્રાન્ત્તિનું ઉંડું અધ્યયન કર્યું અને તે વખતની રાજકિય હિલચાલો લક્ષ્યમાં લીધી. પણ સૌથી વિશેષ અભ્યાસ જે પુસ્તકનો તેણે કર્યો તે તો મહાન ઇતિહાસકાર ગીબનનું બનાવેલું “રોમન રાજ્યનો અસ્ત અને નાશ” એ હતું. આ પુસ્તકનું અધ્યયન અને મનન તેણે એટલું બધું કર્યું કે પ્રાચીન રોમન મહા પ્રજાનું ગૌરવ તેના મનમાં સર્વદા રમી રહ્યું અને રોમ વિષે વાત કરતાં તેનો આબેહુબ ચિતાર શ્રોતા જનોની દૃષ્ટિ આગળ તે ખડો કરી દેતો. સ્વામી વિવેકાનંદની સાથે જે રોમ ગયા હતા તેઓ કહે છે કે એ પ્રાચીન ભૂમિની નષ્ટ કીર્તિ વિષે વાત કરતાં તેમના મુખમાંથી એવા જુસ્સાથી ઉદ્‌ગારો નીકળતા અને એ ભૂમિનો એવો તે તાદૃશ્ય ચિતાર અપાતો કે શ્રોતાવર્ગને એમજ લાગતું કે સ્વામીજીએ પ્રાચીન સમયમાં કેટલાંક વર્ષો રોમમાં જ ગાળ્યાં હશે ! રોમન રાજાઓ, તેમનાં કૃત્યો,