આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૦
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


તે પ્રજાસત્તાક રાજ્યના મહાન દિવસો, વ્યક્તિઓનો પરસ્પર સંબંધ એ સર્વ માનુષી દૃષ્ટિથી અને ઐતિહાસિક દૃષ્ટિથી એવી સૂક્ષ્મ રીતે વર્ણવાતાં કે જેથી જાણે સઘળું રોમન રાજ્ય શ્રોતાજનોની નજર આગળ હાલતું ચાલતું હોય એમ થઈ રહેતું. નરેન્દ્રની દૃષ્ટિમાં ઇતિહાસ, મહા પ્રજાઓની મહત્વાકાંક્ષાઓ, અનુભવ, અંતઃસ્ફુરણાઓ અને ઉચ્ચ જીવનનું હજાર વર્ષનું જીવનચરિત્ર રમી રહેલું હતું.

સર્વ ઇતિહાસમાં આર્યભૂમિનો ઇતિહાસ તેને અત્યંત પ્રિય હતો. હિંદના મહાન પુરૂષોનાં ચારિત્રો જાણે કે તેમના સહવાસમાં તે આવ્યો હોય તેમ, બહુ જ સૂક્ષ્મ અને સચોટ રીતે તે વર્ણવતો. આગળ ઉપર પોતાના પાશ્ચાત્ય શિષ્યોને મુગલ બાદશાહોની અને ગુપ્તવંશના રાજાઓની કથાઓ એવી બારીકીથી સમજાવતો કે એ રાજાઓ અને બાદશાહોને તેઓ દૃષ્ટિ આગળ પ્રત્યક્ષ જોતા હોય અને એ રાજાઓના સમયમાં જ જાણે કે તેઓ રહેતા હોય એવો તેઓને ભાસ થતો ! કોઈ અંગ્રેજ ઈતિહાસકાર જે જુસ્સાથી ઈલીઝાબેથનું વર્ણન કરે તે જુસ્સાથી હિંદની પ્રખ્યાત સ્ત્રીઓનાં પરાક્રમો તે વર્ણવતો. હિંદનાં પ્રાચીન ગૌરવવાળાં સ્થળોને તે નિહાળતો ત્યારે તેની માતૃભૂમિની ભૂતકાળની ભવ્યતાના ભણકારા તેને વાગી રહેતા. તેની પવિત્રતાનું ચિત્ર તેના મનમાં એકદમ ખડું થતું અને તે ચિત્રમાં હિંદની ભાવિ મહત્તાનું આશાજનક સ્ફુરણ તેને થઈ આવતું !

નેપોલિયનને તેના શૌર્ય અને બળને લીધે નરેન્દ્ર એક વીર પુરૂષ ગણતો. નિર્બળતાને તે અત્યંત ધિક્કારતો, બળ વગર મહત્તા મળતી નથી એમ તે માનતો. શૌર્ય અને સામર્થ્ય–શારીરિક બળ, માનસિકબળ, આધ્યાત્મિકબળ તેના આખા જીવનના મુખ્ય સિદ્ધાંતો બની રહ્યા હતા. આગળ જતાં તત્વજ્ઞાનના વિવરણમાં પણ પોતાના અગાધ આત્મબળનો જુસ્સો તેણે રેડ્યો હતો અને તેમાં રહેલા