આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૬
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


બાબર પાણીપતની લડાઈ જીતીને દીલ્લીમાં પોતાનું રાજ્ય સ્થાપી રહ્યો હતો ત્યારે પંજાબમાં ગુરૂ નાનક અને બંગાળામાં શ્રી ચૈતન્યદેવ પોતાની ધાર્મિક પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા હતા. મુસલમાનના વખતમાં હિંદમાં અનેક ફેરફાર થયા. હિંદુઓના જીવનમાં, રીતરિવાજોમાં, સાહિત્યમાં, મુસલમાન જીવનની ઊંડી છાપ પડી. મુસલમાનોએ ધર્મમાં હાથ ઘાલવા માંડ્યો અને આર્યપ્રજાનો પવિત્ર ખજાનો નષ્ટ થવાનો સમય આવ્યો. મુસલમાનોની રાજ્યનીતિને તાબે થવું, અને પરાપૂર્વથી ચાલી આવતી ધાર્મિક વૃત્તિઓનું પાલન કરવું, આ મહા કઠિન કાર્ય આર્યપ્રજાએ ઘણાં વરસો સુધી ધીરજ અને ખંતથી ઉઠાવ્યું. ધર્મ રક્ષકોને અનેક મુશીબતો વેઠવી પડી, પ્રજાના અનેક સવાલોના ફડચા લાવવા પડ્યા, અને ધર્મના રક્ષણ માટે તેમણે એવી રીતે કામ લીધું કે ઝનુનીમાં ઝનુની મુસલમાનોનાં હૃદય તેમની શાંતિ અને ધૈર્ય આગળ નરમ બનીને પોતાની મેળેજ શાંત થઈ ગયાં. પાછળથી આથી પણ બારીક સમય હિંદની તવારિખમાં આવી પડ્યો. પાણીપતની બીજી લડાઈ પછી મુસલમાની રાજ્ય નષ્ટ થવા માંડ્યું, અને દેશમાં બ્રીટીશ સત્તા જામવા માંડી.

દેશમાં હવે પાશ્ચાત્ય કેળવણીની શરૂઆત થઈ. પણ આ કેળવણીની સાથે હિંદુઓની ધર્મ પ્રત્યેની લાગણી કમી થવા માંડી અને તેમનાં અંતઃકરણમાં નાસ્તિકતા તથા અશ્રધ્ધાએ વાસ કરવા માંડ્યો. પાશ્ચાત્ય કેળવણીનું એક ભયંકર પરિણામ એ આવ્યું કે હિંદુઓ પોતાના ધર્મથી વિમુખ થઈ ગયા. પ્રાચીન દંતકથાઓ, વેદ અને શાસ્ત્રોની તે અવગણના કરવા લાગ્યા. પોતે હિંદુ છે એમ કહેતાં શરમાવા લાગ્યા અને હિંદુ શબ્દ તરફ તિરસ્કારથી જોવા લાગ્યા. પાશ્ચાત્ય પ્રજાના ઠાઠ અને બાહ્ય ભપકાથી તેઓ અંજાયા અને પોતાની ન્યાત, જાત તથા કુળના બંધનો તોડવા લાગ્યા. પાશ્ચાત્ય