આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૭
દેશની ધાર્મિક પરિસ્થિતિ.


પ્રજાના બાહ્ય જીવનનું તેઓ અનેક પ્રકારે અનુકરણ કરવા લાગ્યા. હિંદુ જીવન, હિંદુ ધર્મ નષ્ટ થવાનો પ્રસંગ આવ્યો. પાશ્ચાત્ય રિતરિવાજો પ્રજામાં ઘુસવા લાગ્યા, અને આ સ્થિતિ જો વધારે વખત પહોંચી હોત તો પૃથ્વી ઉપરથી હિંદુ એવું નામ પણ ભુસાઈ જવાનો પ્રસંગ આવ્યો હોત.

એક બાજુએ પ્રજા જીવનમાં આવો ફેરફાર થઈ રહ્યો હતો. અને બીજી બાજુએ અંગ્રેજી ભણેલા પુષ્કળ ધર્માચાર્યો, સાધુ સંન્યાસીઓ અને પંડિતો તથા બ્રાહ્મણ વગેરે ઉચ્ચવર્ગો પણ શિથીલ તેમજ કનકકામિનીના પ્રેમી બનતા ચાલ્યા હતા. પ્રજા પણ તેમના તરફ હવે માનની દ્રષ્ટિથી જોતી નહિ. પ્રજા અને તેના ધર્મરક્ષકો ઉભયની આવી સ્થિતિ થઈ રહી હતી. એટલું સારું હતું કે ભારતવાસીઓ ઉપર સેંકડો વર્ષ સુધી પરધર્મીઓએ રાજ કર્યું; પરદેશી આચાર વિચારના પ્રહારો તેમના ઉપર પરાણે થયા; પણ હિંદુ ધર્મમાં એવું તો કંઈક આશ્ચર્ય જેવું તત્વ રહેલું છે કે હિંદુ પ્રજાના હૃદયમાંથી તેની ભાવનાઓ કેમે કરી નિર્મૂળ થઈ શકી નહિ. પાશ્ચાત્ય સુધારાના વાવાઝોડા વચ્ચે પણ, પેશાવરથી તે કન્યાકુમારી સુધી અને કલકત્તાથી તે કરાંચી સુધી આખા આયાવર્તમાં હજી સુધી રામાયણ, મહાભારત, ગીતા, વેદ, ઉપનિષદ્ વગેરે આર્યશાસ્ત્રોના સાચા અભ્યાસીઓ અહીં તહીં નજરે પડે છે. હિંદુ ધર્મનો એ મહાન પ્રભાવ છે.