આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



પ્રકરણ ૧૪ મું-શ્રીરામકૃષ્ણપરમહંસ.

આગલા પ્રકરણમાં જણાવ્યા મુજબના બંગાળામાં થઈ રહેલા ધાર્મિક ખળભળાટ અને ફેરફારની વચમાં એક સાદો અને નમ્ર સંન્યાસી, એકાંતમાં બેસીને જે કોઈ તેની પાસે આવે તેને હિંદુ ધર્મનાં ગુહ્ય તત્ત્વોનો બોધ કરતો હતો. તેનું જીવન જેટલું સાદુ અને નિર્દોષ હતું તેટલાજ તેના વિચારો ઉચ્ચ અને ઊંડા હતા. હિંદુ ધર્મનો પ્રકાશ શાંત હોય છે, પણ તે સ્થિર અને નિત્ય હોય છે. તેને બાહ્ય ભપકાની જરૂર નથી. તેનાં સત્યોની શક્તિ એવી તો અગાધ છે કે તે રાત્રીની ઝાકળની માફક શાંત રીતે પ્રસરે છે છતાં અલૌકિક પરિણામ નિપજાવે છે. તેની સત્તા એવી તો અદભુત છે કે તેના પ્રકાશકો કોઈ અજાણ્યા ખુણા ખોચરામાં જન્મ પામે છે છતાં તેના શાંત જ્વલંત અને નિત્ય પ્રકાશને અનેક દેશોમાં ફેલાવી શકે છે. આ પ્રકાશ કાંઈ ઘાસના ભડકા જેવો ક્ષણિક નથી હોતો, પણ સૂર્યના તેજ જેવો નિત્ય અને બળવાન હોય છે, છતાં પણ તે સૂર્ય જેવો ઉગ્ર નહિ હોતાં ચંદ્રની પ્રભા જેવો શીતળ અને સુખદાયી હોય છે.

હુગલી પરગણામાં આવેલા કમરપુકર નામના ન્હાના ગામડામાં આ પુરૂષનો જન્મ થયો હતો. તેનાં માબાપ ઈશ્વરનાં પરમભક્ત હતાં. કલકત્તાથી ચારેક માઇલને છેટે દક્ષિણેશ્વર નામનું સ્થાન છે. નદીના કિનારા ઉપર તે આવેલું છે. તેમાં રાણી રાસમણીએ બંધાવેલું. કાળીમાતાનું ભવ્ય અને સુંદર મંદિર છે. તે મંદિરની આસપાસ એક મોટો બાગ આવેલ છે, જે કાળીવાટિકાને નામે ઓળખાય છે. આ બાગની વચમાં આવેલું આ દેવાલય હિંદની પ્રાચીનકળાનું ભાન કરાવે છે. અંદર જવાના દરવાજામાં પેસતાં બંને બાજુએ બંધાવેલાં શિવાલય નજરે પડે છે. આ બાગમાં એ સમયે