આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૧
શ્રીરામકૃષ્ણપરમહંસ.


અને પૂર્ણ બ્રહ્મચર્યવૃત્તથી આકર્ષાઇને ઘણા વિદ્વાન મનુષ્યો તેમની પાસે આવતા અને તેમને દેવ સમાન પુજતા.

આ અલૌકિક સાધુમાં વધારે આશ્ચર્યજનક એ હતું કે પરા, અપરા ભક્તિ અને આત્મદર્શન વિષે બોલતાં, અત્યંત ભાવથી તે આવેશમાં આવી જતા અને વારંવાર તેમના આત્મા પરમાત્મામાં તદાકાર થઈ જઇને આસપાસનું ભાન ભુલી જતા. ધર્મનાં કેટલાંક ગુહ્ય અને અગમ્ય તત્ત્વો તેઓ ઉચ્ચારતા તેથી પંડિતો પણ વિસ્મય પામતા. આવા પવિત્ર મહાત્માના દર્શન માત્રથી પણ અનેકોના હૃદયમાં પવિત્રતાનો વાસ થતો, મનની મલિનતાનો નાશ થતો, અને નાસ્તિકો આસ્તિક બની જતા. મદ્યપાન અને વ્યભિચારમાં ગરક થઈ ગયેલા ઘણા નાસ્તિક પુરૂષો, તેમનો સાચો ભાવ, ભક્તિ અને અસાધારણ જીવન જોઇને સગુણી બની ગયા છે. પાશ્ચાત્ય પ્રજાનું અનુકરણ કરવા સામે તેનું જીવન સખત પોકાર કરી રહ્યું હતું. માત્ર બોધથીજ નહિં પણ પોતાના ઉત્તમ ચારિત્ર અને અનુભવથી તે ધર્મનાં સત્ય સૌના મનમાં ઠસાવી રહ્યું હતું. હિંદુ ધર્મમાં પેશી ગયેલા કેટલાક ખરાબ લોકાચાર, વહેમ અને દંભ સામે તે ખરું સત્ય સમજાવી રહ્યું હતું. પરમહંસ જુના વિચારના બ્રાહ્મણકુલમાં જમ્યા હતા અને જુના વિચારમાંજ ઉછર્યા હતા, છતાં આધુનિક સમયને અનુસરીને પોતાના જીવન અને વિચારોમાં ઘટતો ફેરફાર તેમણે કર્યો હતા. પ્રથમ તે કલકત્તામાં આવેલાં કાળીમાતાના ઉપાસક હતા, પણ પછી ઈશ્વર પ્રત્યે તેમને એટલો બધો પ્રેમ વધ્યો હતો કે દરેક પુરૂષ, સ્ત્રી, પ્રાણી, પદાર્થમાં તે ઇશ્વરનું જ સ્વરૂપ જોતા. તેમનું ચિત્ત ઘણે ભાગે સમાધિસ્થ રહેતું. તેમની આગળ ઈશ્વરનું નામ દેતાં તેમની આંખમાંથી પ્રેમનાં આંસુ નીકળતાં અને જગતનું ભાન ઘણું ખરૂ ભુલી જતા. તેઓ નરમાંથી નારાયણ બની રહ્યા હતા, સર્વોત્તમ ધાર્મિક