આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૨
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.

અને ધર્મ ઉપર ભારે અસર થઈ છે. બ્રહ્મોસમાજમાં જે ભક્તિભાવ જોવામાં આવે છે તે પરમહંસને લીધેજ છે. કેશવચંદ્રસેનમાં પાછલા દિવસોમાં જે સરલ ભક્તિભાવ જણાઈ આવતો તે આ મહાત્મા રામકૃષ્ણને લીધેજ હતો.”

કેળવાયલા વર્ગ ઉપર શ્રી રામકૃષ્ણની કેટલી અસર હતી તે ઉપલા ઉતારાઓ ઉપરથી જણાશે.

પ્રકરણ ૧૪ મું – શ્રીરામકૃષ્ણનો સમાગમ.

“ઇશ્વર તો પુસ્તકોમાં જણાતો નથી” એમ કહેતાં કહેતાં નરેન્દ્રે સઘળા પુસ્તકો ફેંકી દીધા પછી તે વચારવા લાગ્યો કે તેને ક્યાં ખોળવો ? અરે હા, શ્રીરામકૃષ્ણ પરમહંસ છે, તેમની પાસે જાઉં અને તેમને પણ પુછું કે “તમે ઈશ્વરને જોયો છે ?” પણ તેમના તરફથી પણ બરાબર જવાબ નહિ મળે તો ? તો પણ જવું તો ખરૂંજ. આમ અનેક વિચાર નરેન્દ્ર પોતાના મનમાં કરવા લાગ્યો.

નરેન્દ્રનો એક સગો હતો તે રામકૃષ્ણ પરમહંસનો શિષ્ય હતો, અને તે પોતાનો અવકાશનો સમય પરમહંસની પાસે બેસવામાં ગાળતો હતો. નરેન્દ્ર તેને રામદાદા કહીને બોલાવતો હતો. નરેન્દ્રને સત્ય શોધવાને આમતેમ ભટકતો જોઈને રામદાદાએ એકવાર તેને કહ્યું હતું કે “તું બ્રહ્મોસમાજ અને બીજા સ્થળોએ શા માટે આથડે છે ? તું દક્ષિણેશ્વર જા.” આ ઉપરથીજ શ્રીરામકૃષ્ણ પરમહંસ પાસે જવાનો વિચાર નરેન્દ્રને આવ્યો હતો.

નરેન્દ્ર દક્ષિણેશ્વર ગયો. પરમહંસ એકલા બેઠા હતા. કંઈક ભય અને કંઇક હર્ષથી નરેન્દ્ર તેમની પાસે ગયો. તેણે નમસ્કાર કરી એકદમ પૂછ્યું : “મહારાજ, તમે ઈશ્વરને જોયો છે ?”