આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૧૦

ગુરૂદેવ ભગવાન રામકૃષ્ણ પરમહંસ પણ એવા બ્રહ્મવેત્તાઓજ હતા. એવા બ્રહ્મવેત્તાઓના મહત્વ વિષે અત્રે ટુંકમાં કેટલુંક જણાવીશું.

દરેક મનુષ્ય-પછી તે પામર કોટીનો હોય કે મુક્ત કોટીનો હોય; પરંતુ તે જે કાંઈ વિચાર, નિર્ણય, ઇચ્છા, ક્રિયા વગેરે કરે છે; અને તેનાં જે કાંઈ શુભાશુભ ફળ ભોગવે છે; તે સઘળું ખરું જોતાં તેની ત્રિગુણાત્મક પ્રકૃતિ યાને દેહત્રયી વડેજ થાય છે. આત્મા તો આ દેહત્રયીરૂપી નાટકશાળામાં મન-ઇંદ્રિયાદિ પુતળાંઓ વડે નચાઇ રહેલા અનેક પ્રકારના નાચને પ્રકાશનારો દીપકજ છે.

મુક્તાત્માઓએ જીજ્ઞાસુ દશામાંથીજ ઉપલું સત્ય સમજી લઈને પોતાનાં મન ઈંદ્રિયાદિની અસાર વસ્તુસ્થિતિઓ તરફની દોડને સારભૂત આત્મવસ્તુ તરફ વાળી દીધેલી હોય છે, અને તેના સતત્ સદુપયોગ વડે કારણ શરીરરૂપી અજ્ઞાનમય કિલ્લાને ભેદીને તે સચ્ચિદાનંદમય સ્વરાજ્ય પદને પ્રાપ્ત કરેલું હોય છે. આમ હોવાથી પ્રકૃતિના ગુણો વડે ગુણોમાંજ ચાલી રહેલા કર્તા ભોક્તાપણાને આત્માનુભવી જીવન મુક્ત પોતામાં આરોપતો નથી; અને અન્યજીવોનું તે અજ્ઞાનમય કારણ શરીર કાયમ રહેલું હોવાથી તેઓ પોત પોતાની સ્થૂલ સૂક્ષ્મ શરીરરૂપી અનાત્મ પ્રકૃતિમાં તેમજ તેના તમામ કર્ત્તા ભોક્તાપણામાં આત્મભાવ (અહંતા મમતા) રાખ્યા કરે છે.

તે પરમપદની અપેક્ષાએ અસત્ય, જડ અને દુ:ખરૂપ એવા આ જગતમાં ઉપર જણાવ્યા જેવા આત્માનુભવીની બુદ્ધિને કાંઈ પણ કર્તવ્ય પ્રાપ્તવ્ય કે અધુરાપણું રહેતું નથી. મૂળમાંથી કપાઈ ગએલા વૃક્ષમાં કપાવા પૂર્વે જે રસકસ ચઢી ચૂક્યો હોય છે; તેને લીધે કપાઈ જવા પછી પણ તેનાં પત્ર, ફળ, વગેરે થોડો ઘણો સમય જેવોને તેવોજ ઉપયોગ આપે છે; અથવા તો યુદ્ધમાં પ્રવૃત્ત થએલા શૂર પુરૂષનું માથું કપાઈ જવા પછી પણ જેમ કેટલોક સમય તેનું ધડ