આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૮
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


આડે આવતાં નથી. કૃત્રિમ ભક્તોને માટેજ કૃત્રિમ નિયમો હોય છે; ઈશ્વરના સ્વાભાવિક અને સાચા ભક્તોની ભક્તિ અને પ્રેમ સ્વતંત્રપણે ગમે તે સ્થિતિમાં, ગમે તે સ્થળમાં અને ગમે તે વખતે વહેવા માંડે છે. જગતના નિયમો તેને બાધા કરતાં નથી.

એક વખત નરેન્દ્ર કેટલાક છોકરાઓને એકઠા કરીને બેઠો હતો. તેમાંનો એક છોકરો શ્રી રામકૃષ્ણની નિંદા કરી રહ્યો હતો અને પુષ્કળ વાતચિત ચાલી રહી હતી. એટલામાં બહારથી “નરેન્દ્ર, નરેન્દ્ર” એમ બૂમ સંભળાઈ. સઘળા ચમક્યા. તે શ્રીરામકૃષ્ણની બૂમ હતી. નરેન્દ્ર એકદમ નીચે ગયો. શ્રી રામકૃષ્ણ તેને સામા મળ્યા અને આંખોમાં હર્ષનાં આંસુ લાવીને બોલ્યાઃ “હમણાંનો તું કેમ આવ્યો નથી ?” શ્રીરામકૃષ્ણ એક બાલક જેવા સાદા હતા. પોતાની સાથે થોડી મીઠાઈ તેમણે આણી હતી તે પોતે પોતાને હાથે નરેન્દ્રને ખવરાવી !

શ્રીરામકૃષ્ણ બોલ્યાઃ “આવ, મને એક ભજન ગાઈ બતાવ !” નરેન્દ્રે તંબુરો હાથમાં લીધો. એક ભજન ગાયું અને શ્રીરામકૃષ્ણ ભાન ભૂલી સમાધિમાં લીન થયા ! તેમની મુખમુદ્રા ઉપરથી કોઈ અગાધ આનંદના પ્રદેશમાં તે વિચરતા હોય તેવું નરેન્દ્રના સઘળા મિત્રોને લાગવા માંડ્યું. વળી તેઓ સર્વમાં હર્ષ વ્યાપી રહ્યો. નરેન્દ્ર ઉઠીને શ્રી રામકૃષ્ણને પગે પડ્યો. સમય સાયંકાળનો હતો. પાસેનાં દેવળો અને મકાનોમાંથી ભક્તોનાં ભજનોનો અવાજ આવતો હતો; અને તેમાં દેવળોનો ઘંટનાદ ભળી જઇને સંસ્કારી મનુષ્યના ધર્મભાવમાં વૃદ્ધિ કરી રહ્યો હતો. આ સમયેજ નરેન્દ્ર ખુદ પોતાનાજ ઘરમાં શ્રીરામકૃષ્ણ જેવા પુરૂષને સમાધિમગ્ન થયેલા જોઈ કોઈ અદ્ભુત લાગણી અનુભવતો હતો.

નરેન્દ્ર હવે વારંવાર પરમહંસજી પાસે જવા આવવા લાગ્યો. એક દિવસ તે પંચવટીની ઘટા પાસે ચંદ્રના પ્રકાશથી ઉત્પન્ન થએલી