આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૦
૧૦૦
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


હસતે વદને તેના તરફ જોઈ રહ્યા હતા ! નરેન્દ્ર એકદમ વિચારમાંથી જાગ્યો અને જોયું તો શ્રીરામકૃષ્ણ! એકદમ તે તેમને ચરણે પડ્યો. શ્રીરામકૃષ્ણે તેને ઉભો કર્યો. બંને એકલા હતા. આસપાસ સર્વત્ર શાંતિ વ્યાપી રહી હતી. માત્ર પાસે વહેતી પવિત્ર ગંગાના જળનો ખળખળ થતો અવાજ જરા જરા સંભળાતો હતો. આકાશમાં તારાઓનો ઝાંખા પ્રકાશ દેખાતો હતો. શ્રીરામકૃષ્ણના મુખ ઉપર હાસ્ય ભર્યું અલૌકિક તેજ છવાઈ રહ્યું હતું. “ચાલ, નરેન્દ્ર,” શ્રી રામકૃષ્ણ બોલ્યા અને જે પવિત્ર બિલ્વવૃક્ષ નીચે બેસીને શ્રીરામકૃષ્ણે સિદ્ધિ પ્રાપ્ત કરી હતી ત્યાં આગળ તેને લઈ ગયા. ત્યાં બને જણ બેઠા અને મૃત્યુ, ભય, માનસિક અશાંતિ, વગેરે અનેક બાબતો ઉપર બંને વચ્ચે છુટથી ચર્ચા ચાલી. આ પ્રમાણે આ મહાન ગુરૂ અને તેનો મહાન શિષ્ય એકાંતમાં મળતા, બેસતા અને જ્ઞાન, ભક્તિ, યોગ વગેરે વિષે અનેક વાતો કરતા.

આ સમયે નરેન્દ્રની ઉમ્મર વીસ વરસની હતી. તે એલ. એલ. બી.નો અભ્યાસ કરતો હતો. તેના પિતા ગુજરી ગયા હતા. કુટુંબને સખ્ત હાડમારી વેઠવી પડતી હતી. આગળ જણાવવામાં આવ્યું છે તેમ નરેન્દ્ર અને તેનું કુટુંબ લગભગ ભૂખમરોજ વેઠતાં હતાં. ક્વચિત નરેન્દ્ર જે પણ મળે તે હલકા પગારની નોકરી લેતો અને બને તેટલું કમાઈ લાવતો; પણ આથી કુટુંબનું પુરું થઈ રહેતું નહિ, નરેન્દ્રનું મન અનેક ચિંતાઓથી ગ્રસ્ત રહેતું, પણ તેનું સાધુ જીવન તેને આ આપત્તિમાં ધૈર્ય આપતું. વખતો વખત તે શ્રીરામકૃષ્ણ પાસે જતો અને શાંતિ મેળવતો. પણ ભુવનેશ્વરીને ચિંતા થતી કે નરેન્દ્ર વારે ઘડીએ શ્રીરામકૃષ્ણ પાસે જાય છે અને તે કદાચ સાધુ થઈ જશે તો ? પરંતુ નરેન્દ્રની રીતભાતથી તેમને નિરાંત વળતી કે નરેન્દ્ર તેમને છોડી જશે નહિ.