આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૧
શ્રીરામકૃષ્ણનો સમાગમ.


ભુવનેશ્વરીએ નરેન્દ્રને પરણાવી દેવાનો વિચાર કર્યો, પણ નરેન્દ્રે સર્વદા બ્રહ્મચારીજ રહેવાનો નિશ્ચય જાહેર કર્યો. નરેન્દ્રના પિતા વિશ્વનાથે પોતાના જીવનકાળમાંજ નરેન્દ્રનો વિવાહ એક પૈસાદારની કન્યા સાથે નક્કી કર્યો હતો, પણ તેનું મૃત્યુ થવાથી તેમાં વિઘ્ન આવ્યું. ફરીથી ભુવનેશ્વરીએ તેને પરણાવવાનો આગ્રહ કર્યો ત્યારે નરેન્દ્ર બોલી ઉઠ્યો : “તમારે મને ડૂબાડી દેવો છે ? પરણું એટલે પછી મારી બધી આશાઓનો અંતજ આવે !”

આ પ્રમાણે ખેંચતાણ કરતે કરતે ત્રણ વર્ષ વીતી ગયાં. ધીમે ધીમે હવે કુટુંબના ભરણપોષણનું સાધન કાંઇક ભેગું થતું ચાલ્યું; અને નરેન્દ્ર શ્રીરામકૃષ્ણની પાસે વધારે વધારે જવા લાગ્યો, ધીમે ધીમે કુટુંબ સાથેનો સંબંધ તેણે ઓછો કરવા માંડ્યો.

પોતે અને પોતાના કુટુંબે વેઠેલી હાડમારીના અનુભવથી તેનું હૃદય દયાર્દ્ર અને સ્વદેશાભિમાની બની રહ્યું હતું. ભૂખમરો શું તે એ જાણતો હતો અને તેથી હિંદનાં અસંખ્ય ગરિબ માણસોના દુઃખથી તેનું હૃદય દ્રવી રહ્યું હતું. તેની બે બ્હેનોને પણ આ જગતનો કડવો અનુભવ થયો હતો અને તે અકાળ મૃત્યુને વશ થઈ હતી, તેથી હિંદની સ્ત્રી જાતિની દુર્દશાનું પણ તેને બહુ ઉંડું ભાન થએલું હતું.

નરેન્દ્રે જ્યારે સંન્યાસ ગ્રહણ કર્યો ત્યારે તેના કુટુંબને ભરણ પોષણની અડચણ નથી એવી ખાત્રી તેના મનમાં થયેલી હતી.

નરેન્દ્ર પરણ્યો હોત તો સારા કુટુંબની કન્યા તેને મળી હોત ! અને રૂઢી પ્રમાણે કન્યાદાનમાં પુષ્કળ દ્રવ્ય પણ તેને મળ્યું હોત; કારણ કે મોટાં મોટાં પૈસાદાર કુટુંબો વિશ્વનાથની આબરૂ અને પ્રતિષ્ઠાને લીધે નરેન્દ્રને પોતાના જમાઈ તરિકે પસંદ કરવાને ઘણાંજ આતુર હતાં. પણ ત્યાગની મૂર્તિ – શ્રીરામકૃષ્ણનો ભાવિ શિષ્ય – નરેન્દ્ર જરા પણ ડગ્યો નહિ.