આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૨
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


શ્રીરામકૃષ્ણ અને નરેન્દ્રનો મેળાપ એ હિંદના પ્રાચીન અને અર્વાચિન બંને જીવનના મેળાપ રૂપ હતો. આ મેળાપથી એ બંને જીવનપ્રવાહો સાથે સાથે વહેવા લાગ્યા. હિંદના પ્રાચીન ગૌરવ ઉપર અર્વાચિન વિચારોની ઈમારત ઘડાવા લાગી. નરેન્દ્રનું હૃદય સંસ્કારી હતું, પણ આધુનિક વિચારોનું તોફાન તેમાં ચાલી રહ્યું હતું. શ્રીરામકૃષ્ણ પ્રાચીન ગૌરવની સાક્ષાત મૂર્તિ હતા. નરેન્દ્ર બ્રહ્મસમાજ, આર્યસમાજ, સંસાર સુધારા સમાજ અને એવી બીજી અર્વાચિન સંસ્થાઓનું પરિણામ હતો. પ્રાચીન હિંદનું આધ્યાત્મિક જીવન, તેની ભાવનાઓ, તેની સાધુતા અને ધાર્મિક અનુભવોની મૂર્તિ રૂપે શ્રીરામકૃષ્ણ હતા. નરેન્દ્રમાં આ ભાવનાઓ, અનુભવો અપૂર્ણ અવસ્થામાં પડી રહેલાં હતાં. તેમાં સંશયની છાયા હતી. બંનેના મેળાપથી પૂર્વ અને પશ્ચિમના વિચારો ઉપર વિશાળ દૃષ્ટિથી જોવાતું હતું. બંનેમાં રહેલાં શ્રેષ્ઠ તત્ત્વો ગ્રહાતાં હતાં. હિંદની પ્રાચીન ભાવનાઓને સમર્થન મળતું હતું અને હિંદનું ભાવિ જીવન ઘડાતું હતું.

આ નવા ભાવિ જીવનમાં હિંદની પ્રાચીન ભાવનાઓને મધ્યહૃદયનું સ્થાન અપાયું છે, પણ તેમાં પાશ્ચાત્ય વિદ્યાનું યોગ્ય સંમિલન કરી, તેના આશય અને હેતુઓ વિશાળ દૃષ્ટિવાળા કરાઈને પ્રાચીન સાધુતામાં જન સમૂહની સેવાનું મહત્ તત્વ ઉમેરાયું છે. પ્રાચીન ભક્તિમાં જીવતા દેવો-લૂલાં, લંગડાં, પાંગળાં, ગરિબ, રોગી, અજ્ઞાન અને દુઃખી મનુષ્યોની ભક્તિને મોટો હિસ્સો અપાયો છે. આર્ય જીવનના આદર્શ તરિકે હિંદુ જીવન, હિંદુ આચાર અને હિંદુ વિચાર ગ્રહાયા છે. પાશ્ચાત્ય વિચારોને તેમાં યોગ્ય સ્થાન અપાયું છે અને હિંદનું મહદ્ ભાવિ તેમાંજ અંકાયું છે. આ ભાવિ જીવનમાં સર્વ પૌર્વાત્ય અને પાશ્ચાત્ય સદ્‌વિચાર સ્વીકારાયા છે. કોઈનો પણ બહિષ્કાર થયો નથી. પ્રાચીન સત્ય તરફ શ્રદ્ધા ઉત્પન્ન કરવામાં આવી છે