આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૬
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


થઈ રહ્યો ત્યારે પરમહંસ તેના વિષે ભવિષ્ય ભાખવા લાગ્યાઃ “કેશવચંદ્રસેનમાં તો એકજ શક્તિ છે, પણ નરેન્દ્રમાં અરાઢ શક્તિઓ છે; ઈશ્વરી જ્ઞાનનો પૂર્ણ પ્રકાશ તેનામાં પડેલો છે અને દૈવી પ્રેમનો જુસ્સો તેના હૃદયમાં પુરેપુરો ખીલી રહેલો છે. પોતાની બુદ્ધિ અને આધ્યાત્મિક શક્તિઓ વડે તે જગતને હલાવી મૂકશે.”

જ્યારથી શ્રીરામકૃષ્ણને નરેન્દ્ર કંઈક કંઈક સમજવા લાગ્યો ત્યારથી તે બંને વચ્ચેનો પ્રેમ અવર્ણનીય થઈ રહ્યો. એક વખત નરેન્દ્ર ઘણા દિવસથી જણાયો નહોતો. શ્રીરામકૃષ્ણ તેને મળવાને જવા લાગ્યા. રસ્તામાં ગંગાના કિનારા ઉપર નરેન્દ્ર સામો આવતો દેખાયો. શ્રીરામકૃષ્ણ તેની પાસે ગયા અને તેનું મોં પકડીને ૐ નો વિચાર કરતા કરતા સમાધિમાં આવી ગયા. વળી જ્યારે ત્રીજી વખત દક્ષિણેશ્વરમાં બંનેનો મેળાપ થયો હતો ત્યારે શ્રીરામકૃષ્ણ સમાધિમાં આવી જઈને બોલવા લાગ્યાઃ “મેં શ્રી કાળી દેવીને કહ્યું કે કામ અને લાભ વગરના કોઈ પવિત્ર ભક્તની સાથે વાત કર્યા વગર હું એકલો શી રીતે રહી શકું? તું કાલે રાતે આવ્યો અને મને જગાડીને કહ્યું: હું હવે આવ્યો છું.” શ્રીરામકૃષ્ણની સંનિધિમાં નરેન્દ્ર પણ નવીજ અવસ્થા ભોગવતો. ઘણી વખત જ્યારે બધા શિષ્યો ભજન ગાતા અથવા તો શ્રીરામકૃષ્ણ વેદાન્તનો બોધ આપતાં ત્યારે નરેન્દ્ર આનંદના આવેશમાં આવી જતો, તેની વૃત્તિઓ ઉછાળા મારી રહેતી, તેના અંતરાત્મામાં નવીન શક્તિઓ જાગૃત થતી, તેનું હૃદયકમળ ખીલતું, તેમાં રહેલી સુવાસ આસપાસ પથરાતી, અને મન બુદ્ધિ સહિત તેનું આખું શરીર કોઈ અવનવા આનંદમાં તરબોળ થઈ જતું.

શ્રીરામકૃષ્ણનો ત્યાગ, પવિત્રતા અને આધ્યાત્મિક જીવન અડગ અને વજ્ર જેવાં દૃઢ હતાં. આવું અડગ અને વજ્ર જેવું ચારિત્ર પોતાના શિષ્યોમાં અને ખાસ કરીને નરેન્દ્રમાં લાવવાને તે અનેક