આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૦
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


જળનો ખળખળાટને સાંભળતા ચંદ્રમાના અજવાળામાં કોઈ કોઈ દિવસ સર્વ બેસતા, ભજન ગાતા અને ગુરૂના મુખમાંથી નીકળતા જ્ઞાનામૃતને ગ્રહણ કરતા. શ્રીરામકૃષ્ણની સંનિધિમાં રહેવું એ મહાન ભાગ્યરૂપ હતું. તેમની પાસે બેસનાર જગતના વિચારને વિસારતું અને આત્માના ઉચ્ચ પ્રદેશમાં વિચરતું અને અપૂર્વ આનંદને ભોગવતું. તેમની સંનિધિમાં સર્વ કોઈ સમોહિત ચિત્ત થઈ રહેતું અને એકાગ્રતાને પ્રાપ્ત કરતું. શ્રીરામકૃષ્ણના મુખમાંથી નીકળતા મિષ્ટ શબ્દોથી અને જે ભાવથી તે શબ્દો બોલતા હતા તે ભાવથી. શાતાઓનો અંતરાત્મા ઉછળતો, પ્રફુલ્લ થતો અને ઈશ્વર તરફ વળી રહેતો. તે સ્થળની અપૂર્વ શાંતિ, અલૌકિક દેખાવ, સર્વત્ર પથરાયેલી પવિત્રતા, શ્રીરામકૃષ્ણનું નિર્દોષ મુખાર્વિંદ, તે મુખ ઉપર છવાઈ રહેલી દિવ્ય જ્યોતિ, જ્ઞાનચર્ચાની ગર્જનાઓ, ભજન, કિર્તન, સર્વનો ઉલ્લાસ અને આનંદ, આ સર્વ તેમના સહવાસમાં આવનાર મનુષ્યના મન ઉપર ઉંડી છાપ પાડ્યા કરતાં હતાં.

આવા ધર્મ ધુરંધર ગુરૂની સમક્ષ થતા અનેક વાદવિવાદની ગર્જનાઓમાં નરેન્દ્રનો અવાજ સિંહનાદની માફક સંભળાતો. યુવાવસ્થાના સઘળા ઝનુનથી નરેન્દ્ર બોલતો. અત્યાર સુધી મુંઝાઈ રહેલા તેના હૃદયને ખોલવાનો અવકાશ અને છુટ શ્રી રામકૃષ્ણના સહવાસમાં આવવાથી મળ્યાં હતાં. પોતાના વિચાર સંપૂર્ણ રીતે દર્શાવવાની છુટ શ્રીરામકૃષ્ણ તેને આપી હતી. જે જુસ્સાથી નરેન્દ્ર ચર્ચા કરતો તે જુસ્સો જોઈને શ્રીરામકૃષ્ણ અત્યંત ખુશી થતા અને તેમાં નરેન્દ્રનો ભાવ પ્રભાવ જોતા. તે કહેતાઃ “મેં કહ્યું છે માટે તે ખરૂં છે એમ માનતા નહિ; સઘળાનો જાતે અનુભવ કરો.” આ પ્રમાણે શ્રીરામકૃષ્ણ સર્વનાં હૃદયમાં ત્યાગ, સાધુતા અને પવિત્રતાનો વાસ કરાવી રહ્યા હતા.