આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૯
શ્રીરામકૃષ્ણની શિક્ષણ પદ્ધતિ અને નરેન્દ્રની તૈયારી.


શ્રી રામકૃષ્ણના બોધ વિષે, આચાર વિષે, જીવન વિષે અનેક શંકાઓ કરતો હતો તેજ યુવક હવે જાતેજ શ્રી રામકૃષ્ણનો બચાવ કરવા લાગ્યો ! હવે તે હિંદુ ધર્મનો પક્ષ ખેંચવા લાગ્યો; પરંતુ હજી પણ તેનામાં કેટલીક ખામી હતી.

નરેન્દ્રના મનમાં હવે ઉત્કટ વૈરાગ્ય વ્યાપી રહ્યો હતો. એક વખત પંચવટીમાં જ્યાં આગળ શ્રીરામકૃષ્ણે યોગ સાધ્યો હતો ત્યાં બેસી યોગ સાધવો એવો વિચાર તેણે શ્રીરામકૃષ્ણને જણાવ્યો. શ્રીરામકૃષ્ણે જાણી જોઇને પૂછ્યું કે “કાયદાનો અભ્યાસ તારે શરૂ રાખવો નથી ?” અત્યંત લાગણીથી નરેન્દ્રે જવાબ આપ્યો “મહારાજ મેહેરબાની કરીને મને એવી કાંઈ દવા આપો કે કોલેજમાં શીખેલું બધુંજ હું ભૂલી જાઉં !” તે દિવસથી તે શ્રીરામકૃષ્ણનો વ્હાલામાં વ્હાલો શિષ્ય થઈ રહ્યો. એક માતા તેના પુત્ર તરફ જે પ્રેમ દર્શાવે છે તેનાથી પણ અધિક પ્રેમથી શ્રીરામકૃષ્ણ નરેન્દ્રને ચહાતા હતા અને બંનેની વચમાં એવો તે અમાનુષી પ્રેમ ઉત્પન્ન થયો હતો કે બેમાંથી એક પણ જરાક વેગળું ખસે તો બંનેને ચેન પડે નહિ.

જે બિલ્વવૃક્ષની આગળ બેસીને શ્રી રામકૃષ્ણે યોગ સાધ્યો હતો તે વૃક્ષની પાસે બેસી નરેન્દ્રે હવે યોગની અનેક ક્રિયાઓ સાધવા માંડી. હવે તેનું ચિત્ત શાંત થવા લાગ્યું. મન ઉપર જય મેળવાયો. આમ ઘણા દિવસ વીતી ગયા. ભાવ સમાધિમાં આવી જતા શ્રીચૈતન્ય જેવા અનેક ભક્તોતાની માફક ભાવસમાધિ તેને હજી સુધી કેમ પ્રાપ્ત થતી નથી એમ નરેન્દ્ર શ્રીરામકૃષ્ણને એક દિવસ પૂછવા લાગ્યો. શ્રીરામકૃષ્ણ કેટલીક સમજુતી આપ્યા પછી તેને ધીરજ રાખવાનું કહ્યું અને સમજાવ્યું કે એવો પણ સમય આવશે કે જે વખતે ભાવ સમાધિ તો શું પણ નરેન્દ્રની આખી વ્યક્તિજ પરમાત્મ સ્વરૂપમાં લીન થઈ જશે !